News Portal...

Breaking News :

PM મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને મળી નવી દિશા, અનેક મહત્વના કરારો પર સહમતિ

2026-07-11 09:36:19
PM મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને મળી નવી દિશા, અનેક મહત્વના કરારો પર સહમતિ

ઓકલેન્ડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપતા અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ થઈ છે. લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને બંને દેશોના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

બંને દેશોએ 'રોડમૅપ 2030' જાહેર કરીને આગામી ચાર વર્ષ માટે વ્યૂહાત્મક સહકારનો વ્યાપક રોડમૅપ તૈયાર કર્યો છે. તેના હેઠળ વેપાર, સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, પ્રવાસન, કૃષિ ટેક્નોલોજી, સંસ્કૃતિ, રમતગમત અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


ભારત અને ન્યૂઝીલેન્ડે વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 7 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા મજબૂત કરવા માટે માહિતીની આપ-લે, સંયુક્ત અભ્યાસ અને સંકલન માટે વિશેષ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે.


હાઇડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફી ક્ષેત્રે પણ સહકાર વધારવાનો નિર્ણય લેવાયો છે, જેના અંતર્ગત સમુદ્રી નેવિગેશન, ડેટા શેરિંગ, તાલીમ અને ક્ષમતા વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશોની સેનાઓ વચ્ચે લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ પર સહમતિ થઈ છે. સાથે જ આતંકવાદ સામે અસરકારક લડત માટે સંયુક્ત વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે, જે ગુપ્તચર માહિતીની આપ-લે અને સંકલન વધારશે.
આપદા વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતની NDRF અને ન્યૂઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી વચ્ચે સહયોગ કરાર થયો છે. ભૂકંપ, સુનામી અને દરિયાકાંઠાના જોખમો સામે તૈયારી, બચાવ કામગીરી અને માહિતીના આદાન-પ્રદાનમાં બંને દેશો સાથે મળીને કામ કરશે.


આ ઉપરાંત બંને દેશોના વડાઓ, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે નિયમિત મુલાકાતો યોજાશે. દર વર્ષે વિદેશ મંત્રી સ્તરની બેઠક યોજવા તેમજ બંને દેશોના સાંસદો વચ્ચે સંવાદ વધારી સંસદીય લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


PM મોદીના આ પ્રવાસને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવતું ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post