ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ મામલા બાદ એર ઇન્ડિયા દ્વારા પાઇલટ્સ માટે શરૂ કરવામાં આવેલી ફરજિયાત ડ્રગ ટેસ્ટિંગ પ્રક્રિયામાં વધુ બે પાઇલટના પ્રાથમિક ડોપ ટેસ્ટના પરિણામો ‘નોન-નેગેટિવ’ આવ્યા છે. બંને પાઇલટ્સના સેમ્પલને હવે કન્ફર્મેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા બાદ બંને પાઇલટ્સને હાલ ફ્લાઇટ ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે (ડી-રોસ્ટર). અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 300થી વધુ પાઇલટ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી 4 ઓગસ્ટે ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બનેલી ઘટના બાદ ઝડપી બનાવવામાં આવી હતી. આ ફ્લાઇટના કેપ્ટનનો કન્ફર્મેટરી ટેસ્ટ મારિજુઆના માટે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા તેમના તમામ પાઇલટ્સનું ફરજિયાત સાયકો-એક્ટિવ સબ્સ્ટન્સ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે પ્રાથમિક ડોપ ટેસ્ટમાં ‘નોન-નેગેટિવ’ પરિણામ આવવું એ પાઇલટ દ્વારા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હોવાનો અંતિમ પુરાવો નથી. તેની પુષ્ટિ કન્ફર્મેટરી ટેસ્ટના અંતિમ પરિણામ બાદ જ થઈ શકે છે.
Reporter: admin







