News Portal...

Breaking News :

અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ, ‘બોસ સ્કેમ’ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપાઈ

2026-08-18 16:36:08
અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ, ‘બોસ સ્કેમ’ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘બોસ સ્કેમ’ ચલાવતી સાયબર ગેંગનો પર્દાફાશ કરી પશ્ચિમ બંગાળમાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂન 2026માં નોંધાયેલા રૂ.1.30 કરોડના સાયબર ફ્રોડ કેસની તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં પાકિસ્તાન અને ચીન કનેક્શન સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ‘સાયબર ક્રાઈમ એઝ અ સર્વિસ’ તરીકે કામ કરતા હતા. તેઓ WhatsApp મારફતે OTP મેળવી સાયબર ગુનેગારોને પ્રતિ OTP રૂ.100થી રૂ.200ના કમિશન પર વેચતા હતા. અત્યાર સુધીમાં 21 હજારથી વધુ OTP અને આશરે 4,500 સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસ મુજબ સ્કેમનું મુખ્ય કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલતું હતું, જ્યારે હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર તૈયાર કરવામાં આવતું હતું. SMS, ઈ-મેલ અને WhatsApp મારફતે ZIP ફાઈલો મોકલી આશરે 10 હજાર ડિજિટલ ડિવાઇસ હેક કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગુનાની રકમની લેવડદેવડ માટે USDT ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો હતો. આરોપીઓ પાસેથી ત્રણ એન્ડ્રોઇડ ફોન અને મલ્ટિપલ સિમ કાર્ડવાળા ઉપકરણો જપ્ત કરાયા છે. અમદાવાદમાં આ મામલે પાંચ જેટલી ફરિયાદો નોંધાઈ છે.

સાયબર ક્રાઈમે લોકોને અજાણી ZIP ફાઈલો અને લિંક્સ પર ક્લિક ન કરવા અપીલ કરી છે.

Reporter: admin

Related Post