અમદાવાદ : વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે. આ કેસમાં નીચલી અદાલતે વર્ષ 2022માં 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે હાઈકોર્ટ આ સજાને યથાવત્ રાખે છે કે તેમાં ફેરફાર કરે છે અથવા કેટલાક આરોપીઓને રાહત આપે છે તેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરમાં માત્ર 45 મિનિટના ગાળામાં એક પછી એક 21 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ હુમલાઓમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકીઓએ નરોડા, બાપુનગર, સરખેજ, હાટકેશ્વર સહિતના ભીડભાડવાળા વિસ્તારો, બસો, હોસ્પિટલો અને જાહેર સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાના લગભગ 14 વર્ષ બાદ, 18 ફેબ્રુઆરી 2022ના રોજ વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. અદાલતે આ કેસને 'અત્યંત દુર્લભ' (Rarest of Rare) ગણાવી કડક સજા યોગ્ય હોવાનું જણાવ્યું હતું. સાથે જ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
નીચલી અદાલતના ચુકાદા સામે તમામ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાથી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે હાઈકોર્ટ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે. કાયદા મુજબ ફાંસીની સજા અમલમાં મૂકવા માટે હાઈકોર્ટની મંજૂરી જરૂરી હોવાથી આ ચુકાદાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Reporter: admin







