News Portal...

Breaking News :

પૂરી રથયાત્રાને લઈ વડોદરા-દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે રદ, મુસાફરોને પડશે અગવડ

2026-07-07 10:57:31
પૂરી રથયાત્રાને લઈ વડોદરા-દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે રદ, મુસાફરોને પડશે અગવડ

ઓડિશાના પૂરી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે વડોદરા-દાહોદ વચ્ચે દોડતી મેમુ ટ્રેનનો એક રેક પૂરી મોકલવામાં આવી રહ્યો છે. તેના કારણે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ ટ્રેનને 7 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી કુલ 26 દિવસ માટે કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર પૂરી રથયાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે. આ વધારાના મુસાફરોને સરળતાથી પરિવહન સુવિધા મળી રહે તે માટે વિવિધ ઝોનમાંથી ટ્રેનો અને મેમુ રેકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જ આયોજનના ભાગરૂપે વડોદરા મંડળનો એક મેમુ રેક પણ પૂરી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન સેવા સ્થગિત થતાં વડોદરા, ગોધરા, હાલોલ અને દાહોદ સહિતના રૂટ પર દરરોજ અપ-ડાઉન કરતા હજારો મુસાફરોને અગવડનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક ટ્રેન અથવા અન્ય પરિવહન વ્યવસ્થા પર આધાર રાખવાની ફરજ પડશે.


રેલવે પ્રશાસને મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનોની સ્થિતિની માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવાની અપીલ કરી છે. 2 ઓગસ્ટ બાદ મેમુ ટ્રેનનું સંચાલન ફરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post