વડોદરા : સોમા તળાવ વિસ્તારમાં આવેલી એસએસવી શાળા પાસે ગતરાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે.
આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફીક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે 30 ફૂટ જેટલી બાઇક ઢસડી હતી. શહેરમાં બેફામ સાંઢ જેવા ડમ્પર ચાલકોને ક્યારે પોલીસ દ્વારા લગામ લાગશે.કપુરાઇ પોલીસ મથકમાં ખુલજીભાઇ ગજુભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખીલ અને જયંત, બે પુત્રો છે. ગતરાત્રે 9 વાગ્યે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ત્યાં ગયા હતા.
દરમિયાન તેમના પત્નીના મોબાઇલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, પુત્ર જયંતનો એસએસવી સ્કુલની પાસે અકસ્માત થયો છે. બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા.ત્યાં જઇને જોતા ટોળું એકત્ર થઇ ગયું હતું. અને તેમને પુત્ર જયંત રસ્તા પર ઉંધા મોઢે પડ્યો હતો. તેના શરીરનો કેટલોક ભાગ ફાડીને બહાર નીકળી આવ્યો હતો. તેની પાસે એક ડમ્પર ઉભુ હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે, ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું. છતાં ચાલકે ડમ્પર ઉભુ રાખ્યું ન્હતું. અને બાઇકને 30 ફુટ દુર ઘસડી હતી. ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો. આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઇ શર્માને પણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Reporter: admin