કોલકાતા: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનને નબન્ના અભિયાન નામ આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓનો વિરોધ બુધવારે પણ ચાલુ રહેશે. આ દરમિયાન ભાજપે આજે વિદ્યાર્થીઓના સમર્થનમાં 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું છે. આ બંધ બુધવારે સવારે 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી આપવામાં આવ્યું છે.નબન્ના કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ મમતા બેનર્જી સ્પષ્ટપણે કહે છે કે બુધવારે બંધ નહીં થાય. જો સરકારી કર્મચારીઓ ઓફિસ નહીં પહોંચે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આજે નબન્ના અભિયાન વચ્ચે જુનિયર ડોક્ટરો પણ હડતાળ પર છે.
આ દરમ્યાન નબન્ના પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં બંગાળમાં 12 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં અલીપુરદ્વાર ગામમાં વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે.ભાજપે આપેલા બંધની અસરમાં બંગાળના ઉત્તર દિનાજપુરમાં આગજનીના સમાચાર મળ્યા છે. જ્યારે મુર્શિદાબાદમાં ભાજપ સમર્થકોએ એક વ્યક્તિને માર માર્યો છે. જેના કારણે ત્યાં ભારે હોબાળો થયો. તેમજ હાવડામાં ઘણી જગ્યાએ ડ્રાઇવિંગ કરતી વખતે બસ ડ્રાઇવરો હેલ્મેટ પહેરીને જોવા મળ્યા હતા. એક ડ્રાઈવરે જણાવ્યું કે આજે બંધ છે અને તેથી સુરક્ષાના કારણોસર હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યો છું.
Reporter: