ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની ગતિ અત્યંત ધીમી રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. અલનીનોની પ્રતિકૂળ અસરને કારણે રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.88 ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જૂન મહિનો પૂર્ણ થવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતા ખેતી પાકો પર ગંભીર અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, જુલાઈ મહિનામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. જોકે, આગામી થોડા દિવસોમાં પણ ચોમાસું નબળું રહે તો કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન પહોંચી શકે છે.
અપૂરતા વરસાદના કારણે ડાંગર, કપાસ, સોયાબીન અને બાજરી જેવા મુખ્ય ખરીફ પાકો સુકાવા લાગ્યા છે. જેના કારણે રાજ્યના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. પ્રાથમિક અંદાજ મુજબ, અત્યાર સુધીમાં આશરે 1500 કરોડ રૂપિયાથી વધુની ખેત પેદાશો જોખમમાં મુકાઈ છે.
કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે, તો કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે બજારમાં કૃષિ પેદાશોની અછત સર્જાવાની પણ શક્યતા છે.
રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
Reporter: admin







