શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ નક્ષત્ર હાઈટ્સ ખાતે સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ આરોગ્યલક્ષી કાર્યક્રમને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. મોટી સંખ્યામાં નક્ષત્ર હાઈટ્સના રહીશો તથા આસપાસના લોકોએ હાજરી આપી આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
મળતી માહિતી મુજબ, નક્ષત્ર હાઈટ્સ ખાતે સમયાંતરે સામાજિક અને જનહિતના વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ જ ક્રમમાં સ્થાનિક રહીશો દ્વારા સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે સંકલન કરી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરોની ટીમે હાજર રહી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસ કરી અને લોકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
કેમ્પ દરમિયાન ખાસ કરીને વડીલો, મહિલાઓ અને યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓથી લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મળે છે તેમજ સમયસર તપાસ થવાથી અનેક રોગોનું વહેલું નિદાન શક્ય બને છે. કેમ્પના સફળ આયોજન બદલ સ્થાનિક રહીશો દ્વારા સવિતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Reporter: admin







