વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સરકારી મિલકત અને જનતાના ટેક્સનાં પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના પાણીગેટ ફાયર સ્ટેશનનો એક વીડિયો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ફાયર સ્ટેશનનાં પરિસરમાં સરકારી વીજળીનો ઉપયોગ કરીને કર્મચારીઓ પોતાના ખાનગી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઊર્જા બચાવવા અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે દેશવાસીઓને હાકલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ જ સરકારી ખર્ચે અને જોખમે પોતાના અંગત વાહનો ચાર્જ કરીને નિયમોનાં ધજાગરા ઉડાવી રહ્યા છે. આ વાયરલ વીડિયોએ વડોદરા કોર્પોરેશનની કામગીરી અને શિસ્ત સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સૌથી મોટો સવાલ એ છે કે, શું ફાયર બ્રિગેડ સ્ટેશનમાં ખાનગી વાહનો ચાર્જ કરવાનો કોઈ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે? રોજ કેટલા લોકોના વાહનો અહીં લાવીને આ પ્રકારે ચાર્જ કરવામાં આવે છે અને તેની પાછળ કોઈ આર્થિક લેવડદેવડ થઈ રહી છે કે કેમ, તે તપાસનો વિષય છે.
જો આ કોઈ ધંધો નથી અને માત્ર ફાયર બ્રિગેડના કર્મચારીઓ જ પોતાના અંગત વાહનો અહીં ચાર્જ કરી રહ્યા છે, તો તે પણ એટલું જ ખોટું અને ગેરકાનૂની છે. કર્મચારીઓએ પોતાનાં વાહનો ઘરે ચાર્જ કરવા જોઈએ, તેના બદલે કોર્પોરેશન પર આર્થિક બોજ કેમ નાખવામાં આવી રહ્યો છે?
મહત્વની વાત એ છે કે સરકારી કચેરીઓમાં જે વીજળી વપરાય છે, તેનું બિલ સામાન્ય જનતા દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સના પૈસામાંથી ભરાય છે. પ્રજાનાં પરસેવાની કમાણીનો આ રીતે સરકારી કર્મચારીઓ પોતાના અંગત સ્વાર્થ માટે ખુલ્લેઆમ દુરુપયોગ કરે, તે બિલકુલ ચલાવી શકાય નહીં.
આ ઘટનાથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે મ્યુનિસિપલ કમિશનરે આ વાયરલ વીડિયોની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. આ સમગ્ર કૌભાંડ અથવા બેદરકારી પાછળ કયા કર્મચારીઓ કે અધિકારીઓ જવાબદાર છે, તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જવાબદારો સામે તાત્કાલિક કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી સરકારી સંસાધનોનો આવો ગેરઉપયોગ કરવાની હિંમત ન કરે.
Reporter: admin







