News Portal...

Breaking News :

કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન

2026-06-21 13:08:51
કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન

પ્રતિ માસના ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી અને જેમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. 

ડો. ધામેલિયાએ જણાવ્યું કે, જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા ઉપસ્થિત થતાં પ્રશ્નો સામુહિક હિતના હોય છે અને તેનું સમય મર્યાદામાં નિરાકરણ થાય એ જરૂરી છે. આવા પ્રશ્નોને અગ્રતા આપીને તેના ઉપર જે કામગીરી કરવાની થતી હોય તે તત્કાલ કરવી જોઇએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, જે કામોમાં વડી કચેરીને દરખાસ્ત કરવાની થતી હોય કે સ્થળ નિરીક્ષણ કરવાનું થતું હોય, પ્લાન કરવાનો હોય તે તમામ પ્રકારની વહીવટી પ્રક્રીયાઓ નિયત સમયમર્યાદામાં કરી દેવી જોઇએ. જેથી લોકોને સ્પર્શતી સમસ્યાનું નિરાકરણ આવી શકે. 

ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી અક્ષયભાઇ પટેલ, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી કેયુરભાઇ રોકડિયાએ પીવાના પાણી, કેનાલ, જમીન માપણી અને હક્ક ચોક્સી, માર્ગો, ટ્રાફિક, નવી શાળાઓના બાંધકામ, આરટીઓ, નર્મદા વસાહતના માર્ગો, વરસાદી પાણીના નિકાલ, વુડા અને પુરવઠા, વીજળીને લગતા પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. જેનો નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

Reporter: admin

Related Post