શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતકની ઓળખ રાજુભાઇ ઠાકોર તરીકે થઈ છે. પરિવારના આક્ષેપ મુજબ, વ્યાજે લીધેલા રૂ.20 હજારના મુદ્દે એક વ્યક્તિએ રાજુભાઇને મારપીટ કરી હતી અને તેમના પાસેથી પૈસા તથા મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. આ ઘટનાથી માનસિક રીતે વ્યથિત થઈ રાજુભાઇએ ઘરે આવી ઝેરી દવા પી લીધી હતી.
મળતી માહિતી મુજબ, રાજુભાઇ ઠાકોર અટલાદરાના કલાલી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા હતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 17 જૂનના રોજ તેમણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
મૃતકના પુત્ર સાગર ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, તેના પિતાએ માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી આશરે રૂ.20 હજાર વ્યાજે લીધા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ નિયમિત વ્યાજ ચૂકવી રહ્યા હતા, પરંતુ આ વખતે વ્યાજની ચુકવણીમાં થોડું મોડું થતા આરોપીએ તેમને રસ્તામાં રોકી માંજલપુર વિસ્તારમાં લઈ જઈ મારપીટ કરી હતી. આ ઉપરાંત તેમના પાસેથી પૈસા અને મોબાઈલ પણ ઝૂંટવી લેવાયા હતા.
પરિવારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાથી રાજુભાઇ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા અને ઘરે પરત ફરી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવ અંગે અટલાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારે વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ન્યાયની માંગ ઉઠાવી છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે
Reporter: admin







