વડોદરા શહેરમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ રાખવા માટે પોલીસ દ્વારા સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન હરણી પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હરણી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગોલ્ડન બ્રિજ પરથી ઉતરતા રોડની બાજુમાં એક સફેદ રંગનું બંધ બોડીવાળું બોલેરો પીકઅપ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં મૂકવામાં આવ્યું છે અને તેમાં ગેરકાયદેસર રીતે દારૂ ભરેલો છે.
બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ બિયર ટીન મળી આવી હતી. પોલીસે કુલ 1104 બિયર ટીન કબ્જે લીધી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2.42 લાખ હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત, દારૂ ભરેલા બોલેરો પીકઅપ ટેમ્પોની કિંમત અંદાજે રૂ. 2 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. આમ, દારૂ અને વાહન મળી કુલ રૂ. 4.42 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં વાહન લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા વાહનનો ચાલક કોણ છે અને દારૂ કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તેની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હરણી પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ ચાલુ રાખી છે.
Reporter:







