વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તે અનુસંધાને નંદેસરી પોલીસે મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ કારમાં દારૂનો જથ્થો લઈને સુરત તરફથી વડોદરા આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે દિલ્હી-મુંબઈ ભારતમાલા રોડ પર ફાજલપુર ટોલનાકા પાસે નજર રાખી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના પ્લાસ્ટિકના કુલ 1488 ક્વાર્ટર મળી આવ્યા હતા. દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂ. 3,70,512 હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સ્થળ પરથી કૃષ્ણરાજસિંહ ઉર્ફે શિવભા વેલુભા ગોહિલ (ઉં.વ. 31), રહે. સરીતા સોસાયટી, જુના પેલેસ નજીક, ભાવનગરને ઝડપી પાડ્યો હતો.
આ ઉપરાંત આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન તેમજ ટોયોટા ફોર્ચ્યુનર કાર પણ કબજે કરવામાં આવી હતી. દારૂ, મોબાઇલ અને કાર સહિત કુલ અંદાજે રૂ. 23,96,512નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નંદેસરી પોલીસે આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Reporter:







