News Portal...

Breaking News :

વિલી વોલ્શે ઇન્ડિગોના નવા CEO તરીકે સંભાળ્યો કાર્યભાર, વૈશ્વિક વિસ્તરણ પર રહેશે ખાસ ફોકસ

2026-08-03 17:38:34
વિલી વોલ્શે ઇન્ડિગોના નવા CEO તરીકે સંભાળ્યો કાર્યભાર, વૈશ્વિક વિસ્તરણ પર રહેશે ખાસ ફોકસ

વિશ્વપ્રસિદ્ધ એવિએશન નિષ્ણાત વિલી વોલ્શે ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. કંપની હવે પોતાના ત્રીજા દાયકામાં પ્રવેશી રહી છે અને ભારત સાથે વૈશ્વિક બજારમાં ઝડપી વિસ્તરણ તરફ આગળ વધી રહી છે.

ઇન્ડિગોએ આ વર્ષે માર્ચમાં જ વિલી વોલ્શની CEO તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. તેમને વૈશ્વિક એવિએશન ક્ષેત્રમાં ચાર દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એર લિંગસમાં પાયલોટ તરીકે કરી હતી અને વર્ષ 2001માં તે જ કંપનીના CEO બન્યા હતા.

ત્યારબાદ વર્ષ 2005થી 2011 દરમિયાન તેમણે બ્રિટિશ એરવેઝના CEO તરીકે સફળતાપૂર્વક કામગીરી સંભાળી હતી. ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગ્રુપ (IAG)ના વડા તેમજ વિશ્વની અગ્રણી એરલાઇન સંસ્થા IATAના મહાનિર્દેશક તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ વિલી વોલ્શનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે તેમનો વૈશ્વિક અનુભવ અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ઇન્ડિગોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

CEO તરીકે વિલી વોલ્શનું મુખ્ય ધ્યાન સમયસર ફ્લાઇટ સંચાલન, આંતરરાષ્ટ્રીય રૂટ નેટવર્કનું વિસ્તરણ, કંપનીની વ્યાવસાયિક વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવી તેમજ મુસાફરોને વિશ્વસ્તરીય અને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર રહેશે.

Reporter: admin

Related Post