વડોદરા : કમાટી બાગ ખાતે ઝૂમાં પ્રાણી- પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર શરૂ થઇ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

આ સંજોગોમાં,ઘરો અને ઓફિસમાં એસી ચાલુ થઈ ગયા છે ત્યારે સયાજીબાગમાં પશુ-પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે.ગરમીથી પશુ-પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં બેથી ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે. રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મુકીને ઠંડક આપવામાં આવી રહી છે.

તેમજ પક્ષીઓના પીંજરા ઉપર સુકા તારસા મુકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે. સતત વધી રહેલી ગરમીમાં પશુ-પક્ષીઓની હાલત કફોડી બની ગઇ છે. આગામી દિવસોમાં ગરીનો કહેર વધે તેવી શક્યતાઓ છે. ત્યારે કમાટીબાગના સત્તાવાળાઓ દ્વારા પશુ-પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.



Reporter: admin