વડોદરા કોર્પોરેશનનાં પાંચ સિનિયર અધિકારીઓનાં સામૂહિક રાજીનામા બાદ આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. બહારથી સામાન્ય દેખાતી આ વહીવટી પ્રક્રિયા પાછળ અસલમાં કાયદાના સકંજામાંથી બચવાનો મોટો ગેમ પ્લાન હોવાની વિગતો સપાટી પર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ અધિકારીઓ અત્યારે ટેકનિકલી નોટિસ પિરિયડ પર હોઈ શકે છે. કારણકે રાજીનામા આપ્યા બાદ પણ આ મોટાભાગનાં અધિકારીઓ તેમની ફરજ પર હાજર જોવા મળ્યા હતા.
જો કે, મનપાના કમિશનર આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકોમાં હાજર રહ્યા હોવાના કારણે તંત્રની અંદર હજુ પણ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં થયેલી શંકાસ્પદ અને આડેધડ ભરતી પ્રક્રિયાઓ પરથી પડદો ઊંચકાવાનો ડર સાચો સાબિત થતાં જ, આ શાણા અધિકારીઓએ મેદાન છોડી ભાગી જવામાં પોતાની ભલાઈ સમજી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કાયદાકીય તપાસનો રેલો પગ નીચે આવે ત્યારે નિવૃત્તિનાં આર્થિક લાભો સુરક્ષિત રાખવા માટે આ પ્રકારની લપસણી નીતિ અપનાવવામાં આવતી હોય છે.
રાજીનામાનો આ દાવ ખેલનારાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ અને આસિસ્ટન્ટ રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન જેવા મનપાના કી-પ્લેયર્સ સામેલ છે. આ સિવાય ફિલ્ડ લેવલ પર સીધો વહીવટ જોતા વોર્ડ ઓફિસર મહેશ પટેલ (વોર્ડ-17), રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર (વોર્ડ-18) અને વોર્ડ તેમજ રેવન્યુ ઓફિસર પરાગ મોદી (વોર્ડ-16)એ પણ કાગળો ધરી દીધા છે. આ એવા વિભાગો છે, જ્યાં પ્રજાના સીધા કામો અને નાણાકીય લેવડદેવડ થતી હોય છે.
પાલિકાના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, રાજકીય આકાઓના દબાણ હેઠળ અથવા તો મનસ્વી રીતે અગાઉ જે ભરતીઓ કરવામાં આવી હતી, તેની વહીવટી તપાસનો ગાળિયો હવે બરાબર કસાવા જઈ રહ્યો છે. આ કૌભાંડો અંગે અગાઉ ગુજરાતની અસ્મિતા દ્વારા અવારનવાર સચોટ અહેવાલો પ્રસિદ્ધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હવે જ્યારે રાજ્ય સરકાર અકરા મૂડમાં છે અને કમિશનર ગાંધીનગરથી સીધા આદેશો મેળવી રહ્યા છે, ત્યારે આ પાંચેય જણાએ સત્તાવાર રીતે પદ છોડીને તપાસની આંચ પોતાના સુધી ન પહોંચે તેવો પૂર્વઆયોજિત પેંતરો રચ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ સામૂહિક નિવૃત્તિના ખેલના કારણે વડોદરા મનપાનું આખું વહીવટી માળખું સાવ તૂટી પડ્યું છે. વડોદરા પર દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસામાં પૂરની ભીતિ તોળાઈ રહી છે. રસ્તા પરના જીવલેણ ખાડા, સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા અને પ્રદૂષિત પાણીને કારણે ફેલાતો રોગચાળો સહિતના તમામ પ્રશ્નોથી જનતા અત્યારે ત્રાહિમામ્ પોકારી ગઈ છે. આવા કપરા સમયે વોર્ડ સ્તરના સક્ષમ અધિકારીઓ કચેરીમાં હાજર હોવા જોઈએ, તેના બદલે આ મોરચાના કમાન્ડરો જ ગાયબ થઈ ગયા છે.
શાસક પક્ષ અને ઉચ્ચ પદાધિકારીઓએ હવે મિલીભગત બંધ કરીને કડક થવું પડશે. માત્ર રાજીનામા સ્વીકારી લેવાથી પાપ ધોવાઈ જશે નહીં. આ આખી ઘટના પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તેની તટસ્થ અને ઊંડી તપાસ થવી જ જોઈએ, નહિતર સંસ્કારી નગરીના નાગરિકોની સુખાકારી સાવ રોળાઈ જશે.આમેય કેટલાક જુના જોગીઓ ઘરભેગા થશે તો જ પાલિકામાં શુધ્ધીકરણ થશે.જેમ જેમ પાલિકાનાં બજેટ-ગ્રાંટની રકમ વધતી ગઈ તેમ તેમ સામૂહિક ભ્રષ્ટાચાર પણ રોકેટ ગતિએ વધતો ગયો છે.
Reporter: admin







