News Portal...

Breaking News :

ગુનાખોરી પર અંકુશ માટે ઝોન-1 અને ઝોન-2માં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

2026-08-05 10:28:23
ગુનાખોરી પર અંકુશ માટે ઝોન-1 અને ઝોન-2માં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

વડોદરા: શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ મેળવવાના હેતુથી શહેર પોલીસ દ્વારા ઝોન-1 અને ઝોન-2ના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર ખાસ નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઝોન-1 અને ઝોન-2ના મોટા ભાગના વિસ્તારો રહેણાંક હોવાથી ચોરી અને અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સરપ્રાઇઝ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અભિયાન હેઠળ નંબર પ્લેટ વગરના તેમજ શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારો અને એનસીઆર (NCR) ડેટામાં નોંધાયેલા શંકાસ્પદ ઇસમોની હિલચાલ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત વિવિધ રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા ગાર્ડ્સને બ્રીફિંગ આપી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાર્યવાહી નિયમિત અટકાયતી પગલાં (પ્રિવેન્ટિવ એક્શન) અને એરિયા ડોમિનેશન ડ્રાઇવનો ભાગ છે. શહેરમાં ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Reporter: admin

Related Post