વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની દુકાનો, ઉત્પાદક પેઢીઓ, રેસ્ટોરન્ટ અને ફૂડ વેન્ડિંગ એકમોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઇનઓર્બિટ મોલ, ગોરવા, માંડવી, મકરપુરા, ખોડીયારનગર, વાઘોડિયા રોડ, ગોત્રી અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં કુલ 18 યુનિટની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આટા, ઘી, સીંગતેલ, મગદાળ, જીરૂ, મરચાં પાવડર, પિસ્તા સહિત વિવિધ ખાદ્યપદાર્થોના કુલ 15 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન 15 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્રણ યુનિટ બંધ કરાવવામાં આવ્યા હતા, એક યુનિટને નોટિસ આપવામાં આવી હતી અને નવ યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ સાથેની સંયુક્ત કામગીરીમાં કુલ રૂ.73 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

ખોડીયારનગરમાં આવેલી શીવમ બેકરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને અસ્વચ્છતા બદલ રૂ.50 હજારનો દંડ ફટકારી યુનિટ સીલ કરવામાં આવ્યું હતું. ગોરવાની જોધપુર સ્વીટમાં અસ્વચ્છતા બદલ રૂ.10 હજાર અને મકરપુરાના પીનાકલ ફૂડકોર્ટને રૂ.5 હજારનો દંડ ફટકારાયો હતો.
રેલવે સ્ટેશન પાસે અસલ ગાયત્રી ભવન લાયસન્સ વગર ધંધો કરતું હોવાનું જણાતાં બંધ કરાવવામાં આવ્યું હતું. ગોત્રી વિસ્તારમાં પણ અસ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને લઈને વિવિધ યુનિટ સામે દંડ અને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


Reporter: admin







