News Portal...

Breaking News :

વડોદરાની નવી ઈ-બસમાં ડ્રાઈવરની રિલબાજી, મુસાફરોના જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ

2026-07-01 14:34:25
વડોદરાની નવી ઈ-બસમાં ડ્રાઈવરની રિલબાજી, મુસાફરોના જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ

વડોદરા: સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ હવે જાહેર પરિવહન સુધી પહોંચી ગયો હોવાનું વધુ એક ચિંતાજનક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. શહેરમાં તાજેતરમાં શરૂ કરાયેલી નવી ઈ-બસ સેવામાં એક ડ્રાઈવર ચાલુ બસ હંકારતી વખતે મોબાઈલ ફોનથી રીલ બનાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ જાહેર પરિવહનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


વાયરલ વીડિયોમાં ડ્રાઈવર એક હાથથી બસનું સ્ટિયરિંગ સંભાળતો જોવા મળે છે, જ્યારે બીજા હાથમાં મોબાઈલ રાખીને વીડિયો બનાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. બસમાં મુસાફરો બેઠેલા હોવા છતાં ડ્રાઈવરની આ બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

જાહેર માર્ગ પર વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો ટ્રાફિક નિયમોનો ભંગ ગણાય છે. ખાસ કરીને જાહેર પરિવહનની બસ ચલાવતી વખતે આવી બેદરકારી ગંભીર સુરક્ષા જોખમ ઊભું કરી શકે છે. છતાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની હોડમાં કેટલાક લોકો નિયમોની અવગણના કરતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે.


તાજેતરમાં વડોદરામાં જાહેર રસ્તા પર ટ્રાફિક ડાઇવર્ટ કરીને રીલ બનાવવાના બનાવ બાદ હવે ઈ-બસના ડ્રાઈવરની રિલબાજીનો વીડિયો સામે આવતા શહેરમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. શહેરમાં વારંવાર આવા વીડિયો વાયરલ થતાં હોવા છતાં રિલબાજો સામે કડક અને અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આ સમગ્ર મામલે સંબંધિત વિભાગ અને શહેર પોલીસ દ્વારા ડ્રાઈવરની ઓળખ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને સંબંધિત તંત્ર તરફથી આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

Reporter:

Related Post