વડોદરા: મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવેના વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 ઉપર નિર્માણાધીન આ સ્ટેશનથી મુસાફરોને બુલેટ ટ્રેન અને સામાન્ય ટ્રેન વચ્ચે સીધી અને સરળ ઇન્ટરચેન્જની સુવિધા મળશે.

સ્ટેશનનું સ્થાન વડોદરા બસ ટર્મિનલ અને પશ્ચિમ રેલવે સ્ટેશનની નજીક હોવાથી મુસાફરોને વધુ સારી મલ્ટી-મોડલ કનેક્ટિવિટીનો લાભ મળશે. પ્રોજેક્ટ હેઠળ કોન્કોર્સ, ટ્રેક અને પ્લેટફોર્મ લેવલ પર સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હાલ સ્ટેશનના મુખ્ય સ્ટીલ સ્ટ્રક્ચરનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ત્યારબાદ સ્ટેશનના આંતરિક અને બાહ્ય માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સ્ટેશનની ડિઝાઇન વડોદરાની ઓળખ ગણાતા વડ (બરગદ)ના વૃક્ષથી પ્રેરિત છે. સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે કે મુસાફરોને કુદરતી પ્રકાશ અને વિશાળ ખુલ્લી જગ્યાનો અનુભવ થાય. સ્ટેશનમાં આધુનિક પ્રતીક્ષાલય, બેબી કેર રૂમ, શૌચાલય, રિટેલ આઉટલેટ સહિત મુસાફરો માટેની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કાર, બસ અને ઓટો માટે અલગ-અલગ પાર્કિંગ તેમજ પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન પણ વિકસાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનને મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. સ્ટેશન કાર્યરત બન્યા બાદ મુસાફરોને બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે નિર્વિઘ્ન અવરજવર કરવાની સુવિધા મળશે, જેના કારણે મુસાફરી વધુ ઝડપી, આરામદાયક અને સુવિધાજનક બનશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને જાપાનના સહયોગથી નિર્માણાધીન દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજના હેઠળ મુંબઈથી અમદાવાદ વચ્ચેના અંદાજે 508 કિલોમીટરના અંતરને પ્રતિ કલાક 320 કિલોમીટરની ઝડપે આશરે બે કલાકમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જાપાનની શિંકાન્સેન ટેક્નોલોજી અને સમુદ્રની નીચે બની રહેલી ટનલ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટ ભારતના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.
Reporter: admin







