બિલ્ડર બનો લૂંટારો: જીવનભરની કમાણી લઈને ફરાર, સેંકડો પરિવારોનો પોલીસ ભવન પર હલ્લાબોલ
વડોદરાના શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર પ્રોજેક્ટમાં મોટા પાયે છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મકાન આપવાના નામે સેંકડો પરિવારો પાસેથી જીવનભરની બચત અને બેંક લોનના કરોડો રૂપિયા વસૂલ્યા બાદ બિલ્ડર રાતોરાત ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી પીડિતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ન્યાય માટે તેઓએ પોલીસ ભવન ખાતે હલ્લાબોલ કર્યો હતો.
પીડિતોના જણાવ્યા મુજબ, ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી મકાનનો કબજો મળ્યો નથી અને કોઈ દસ્તાવેજ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી. સાઇટ પર કામ સંપૂર્ણપણે બંધ છે અને બિલ્ડર પોતાની ઓફિસ બંધ કરીને પરિવાર સાથે ગાયબ થઈ ગયો છે. અનેક પરિવારો હાલ બેંક લોનના હપ્તા અને ભાડાના ડબલ આર્થિક બોજ હેઠળ દબાઈ ગયા છે, જેના કારણે તેમની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
ગ્રાહકોનો આક્ષેપ છે કે અગાઉ બિલ્ડરના પુત્ર દ્વારા “15 દિવસમાં કામ શરૂ થશે” જેવી લેખિત ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે માત્ર ખોટી આશા સાબિત થઈ છે. આથી પીડિતોમાં તંત્ર અને RERAની કામગીરી સામે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનો સવાલ છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં નિયમિત દેખરેખ કેમ ન રાખવામાં આવી.
પોલીસ ભવન ખાતે એકત્ર થયેલા પીડિતોએ તાત્કાલિક બિલ્ડર અને તેના પરિવારની ધરપકડ કરીને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચીમકી આપી છે કે જો ન્યાય ન મળે તો આ આંદોલન શહેરભરમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી બિલ્ડરની શોધખોળ તેજ કરવામાં આવી છે.
Reporter: admin







