News Portal...

Breaking News :

નકલી ડિગ્રીથી,10 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી !

2026-08-04 11:09:09
નકલી ડિગ્રીથી,10 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી !

વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલ અને કારેલીબાગ સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલમાં મેઘાલયની વિવાદાસ્પદ અને બંધ કરી દેવાયેલી સીએમજે યુનિવર્સિટીની બોગસ ડિગ્રીના આધારે કરાર આધારિત નોકરી મેળવવાનું એક અત્યંત ચોંકાવનારું અને ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જમનાબાઈ જનરલ હોસ્પિટલ અને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સામે આવેલા બોગસ ડિગ્રી કૌભાંડ બાદ બંને સંસ્થાઓના ઉચ્ચ સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકવા માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

જમનાબાઈ હોસ્પિટલના સત્તાધીશોએ એવો આલાપ દોહરાવ્યો હતો કે તેઓ તો આ હોસ્પિટલમાં નવા આવ્યા છે અને આ સમગ્ર બાબત તપાસનો વિષય હોવાથી તપાસ કર્યા બાદ જ આગળ માહિતી આપી શકાશે. બીજી તરફ, કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલનાં અધિકારીઓએ પણ એ જ સુર પુરાવતા જણાવ્યું હતું કે તેઓ પણ અહીં નવા જ મૂકાયા છે, જેથી સમગ્ર પ્રકરણની ચકાસણી કરવી પડશે. બંને હોસ્પિટલોનાં જવાબદારો એકબીજા પર ખો આપી પોતાની બચાવ મુદ્રામાં આવી ગયા છે.
જોકે, સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો અધિકારીઓ નવા હોય તો પણ કર્મચારી વર્ષ 2016થી સતત દસ વર્ષ સુધી ત્યાં કેવી રીતે નોકરી કરતી રહી? તંત્રના આ દાવાઓથી અધિકારીઓની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે છતી થાય છે.

હોસ્પિટલમાં એએચએ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી કોમલ તલાટી (કોમલ વિરેન્‍દ્રકુમાર દુષાત) સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી તિજોરીમાંથી છેલ્લા દસ વર્ષથી પગાર મેળવવાનો આક્ષેપ થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2016માં થયેલી આ નિમણૂંકથી લઈને 2026 સુધી એટલે કે આખા એક દાયકા સુધી આ કૌભાંડ ધમધમતું રહ્યું, છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા.

હવે જ્યારે કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે જમનાબાઈ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. વિવેક કંટેરિયા અને મેન્ટલ હોસ્પિટલના આર.એમ.ઓ. એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.


ઇતિહાસ તપાસતાં માલૂમ પડે છે કે મેઘાલયના જોરાબાત ખાતે 2009માં સ્થાપવામાં આવેલી સીએમજે યુનિવર્સિટી બોગસ અને બેકડેટ ડિગ્રીઓ વહેંચવા માટે વિખ્યાત હતી. જેને પગલે મેઘાલય સરકારે 2014માં આ યુનિવર્સિટી બંધ કરી દીધી હતી અને સુપ્રીમ કોર્ટે પણ યુનિવર્સિટીને વિસર્જિત કરી તેની  ડિગ્રીઓને રદબાતલ ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર આ ડિગ્રીનાં આધારે મેળવેલી તમામ નોકરીઓ પણ ગેરકાયદેસર ઠરે છે.

જમનાબાઈ હોસ્પિટલ દ્વારા 8 જાન્યુઆરી, 2016ના રોજ જાહેર કરાયેલી મેરિટ યાદીમાં કોમલ દુષાત (તલાટી) 496 ગુણ મેળવીને દ્વિતીય ક્રમે હતી. તેની 10 એપ્રિલ, 2013ના રોજ ઇશ્યૂ થયેલી ત્રીજા વર્ષની બી.કોમ.ની માર્કશીટમાં સૌથી ગંભીર ખામી એ હતી કે તેમાં કોઈ રોલ નંબર જ નહોતો. કોઈપણ માન્ય યુનિવર્સિટીની માર્કશીટમાં રોલ નંબર અનિવાર્ય હોવા છતાં તેમજ સીએમજે પાસે ઓફ-કેમ્પસ અભ્યાસક્રમની મંજૂરી ન હોવા છતાં, જમનાબાઈ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, સીડીએમઓ અને આર.એમ.ઓ. જેવા ઉચ્ચ અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર કેવી રીતે મંજૂરી આપી તે સૌથી મોટો સવાલ છે.

આ સમગ્ર મામલે સરકારી તિજોરીને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ વ્યાજ સહિત કર્મચારી અથવા બેદરકાર અધિકારીઓ પાસેથી કરવામાં આવે અને આ સમગ્ર બોગસ ડિગ્રી કૌભાંડની ફોરેન્સિક તપાસ કરાવી જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

ડિગ્રી ખોવાઈ ગઈ હોવાનું બહાનું, કરાર રિન્યુઅલ વખતે જ બોગસ ડિગ્રીનો ભાંડો ફૂટ્યો

કારેલીબાગ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં એએચએ તરીકે ફરજ બજાવતી વિવાદિત મહિલા કર્મચારી કોમલ તલાટીનો સરકારી કરાર 15 માર્ચે રિન્યુ કરવાનો સમય આવ્યો હતો. નિયમ મુજબ કરાર લંબાવવા માટે આર.ડી. ઓફિસમાં સત્તાવાર ફાઈલ મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાઈલમાં મૂળ ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાથી તંત્રે તપાસ કરતાં કર્મચારીએ ડિગ્રી સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોવાનું બહાનું રજૂ કર્યું હતું. જોકે, વહીવટી શાખાએ કડક વલણ અપનાવી યુનિવર્સિટીમાંથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ મંગાવી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. વારંવાર મુદત આપવા છતાં મહિલા કર્મચારી ડુપ્લિકેટ સર્ટિફિકેટ રજૂ કરી શકી ન હતી, જેના કારણે તેની બોગસ ડિગ્રી અને ગેરકાયદે નોકરીનો ભાંડો ફૂટી ગયો હોવાનું હોસ્પિટલના જ એક કર્મચારીએ જણાવ્યું હતું.

આ મહિલા કર્મચારી ડૉક્ટરની સગી હોવાનું હોસ્પિટલ સ્ટાફમાં ભારે ગણગણાટ

જમનાબાઈ જનરલ હોસ્પિટલ અને કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં બોગસ ડિગ્રી કૌભાંડમાં હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલી વિવાદિત મહિલા કર્મચારી પોતે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા ડૉક્ટરની સગી હોવાનું કહી અન્ય કર્મચારીઓ પર રોફ જમાવતી હોવાની વાતો હાલ હોસ્પિટલના કર્મચારીઓમાં જોરશોરથી ચર્ચાઈ રહી છે.

રોલ નંબર વગરની માર્કશીટ સ્વીકારીને ઉચ્ચ અધિકારીઓએ ખેલ પાડ્યો.

કોમલ તલાટી દ્વારા રજૂ કરાયેલી ત્રીજા વર્ષની બી.કોમ.ની માર્કશીટમાં રોલ નંબર જ ગાયબ હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાયેલી અને કોઈપણ પ્રકારના રોલ નંબર વિનાની બોગસ માર્કશીટ હોવા છતાં, હોસ્પિટલ તંત્રના સુપરિન્ટેન્ડન્ટ, ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર અને આર.એમ.ઓ. કક્ષાના અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરવાની પણ તસ્દી લીધી ન હતી. આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓની સીધી મિલીભગત અને મોટો આર્થિક વ્યવહાર થયો હોવાની પ્રબળ શંકા વ્યક્ત થઈ રહી છે.

10 વર્ષનો પગાર વ્યાજ સાથે વસૂલ કરવા અને એફ.આઈ.આર. નોંધવાની માંગ...

સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં અમાન્ય ડિગ્રીના આધારે 10 વર્ષ સુધી સરકારી તિજોરીમાંથી મેળવેલો પગાર વ્યાજ સહિત વસૂલ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કરનાર મહિલા કર્મચારી સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા આડેધડ નિમણૂંક આપનાર વરિષ્ઠ અધિકારીઓના પગારમાંથી આ રકમ કાપવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટર અને રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post