ડભોઈ તાલુકામાં આવેલું અને આસપાસના 32 ગામો માટે જીવાદોરી સમાન ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવમાં 70 ટકા જેટલો જળસંગ્રહ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસ પહેલાં લગભગ ખાલીખમ દેખાતું આ તળાવ છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદ, ઉપરવાસમાંથી આવેલી પાણીની આવક તેમજ જોજવા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ઝડપથી ભરાઈ રહ્યું છે. પાણીની સતત આવકથી ખેડૂતોમાં આશાનું નવું કિરણ ફૂટ્યું છે.

વહેલી સવારથી જ વઢવાણા તળાવ પર રમણીય અને મનમોહક દૃશ્યો જોવા મળી રહ્યા છે. હરિયાળીથી ઘેરાયેલું તળાવ અને વરસાદી માહોલ સ્થાનિક લોકો તેમજ દૂર-દૂરથી આવેલા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરિવાર સાથે લોકો અહીં પ્રકૃતિનો આનંદ માણવા, ફોટોગ્રાફી કરવા અને વરસાદી વાતાવરણની મજા લેવા પહોંચી રહ્યા છે. રજાના દિવસોમાં અહીં મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
વઢવાણા તળાવ આસપાસના 32 ગામોના ખેડૂતો માટે જીવનદાયી ગણાય છે. તળાવમાં પૂરતું પાણી ભરાવાથી આગામી ખેતીની સિઝનમાં સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત પશુ-પક્ષીઓ માટે પણ પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ બનતાં ગ્રામ્ય વિસ્તારમાં રાહતનો માહોલ સર્જાયો છે.

ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો જૂનું આ ઐતિહાસિક તળાવ આજે પણ ડભોઈ તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. નવા પાણીની આવકથી સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠ્યું છે અને વઢવાણા તળાવ ફરી એકવાર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક લોકો પણ તળાવ ભરાવાને સારા ચોમાસાની નિશાની ગણાવી રહ્યા છે અને આગામી ખેતીની સિઝન માટે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
Reporter: admin







