દહેરાદૂન: ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ચારધામ યાત્રા પર બ્રેક લાગી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ તરફ જતાં માર્ગોના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજ અને આવતીકાલ માટે ચારધામ યાત્રા તાત્કાલિક સ્થગિત કરી છે.
ગઢવાલ મંડળના કમિશનર વિનય શંકર પાંડેના જણાવ્યા મુજબ, સતત વરસાદને કારણે ચારધામ યાત્રાના વિવિધ માર્ગો પર ભૂસ્ખલન થતાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે અને અનેક સ્થળોએ અવરજવર પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રશાસને જણાવ્યું છે કે હવામાનમાં સુધારો થયા બાદ અને યાત્રા માર્ગોને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા પછી ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ શ્રદ્ધાળુઓને યાત્રા આગળ વધારવાને બદલે પ્રશાસન અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદ અને કુદરતી આફતોને કારણેaઉત્તરાખંડમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
Reporter: admin







