અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. નવા નિયમો અમલમાં આવશે તો H-1B વિઝા, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અને સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા હાલની સરખામણીએ વધુ કડક બની શકે છે. તેનો સીધો પ્રભાવ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ તેમજ અમેરિકન કંપનીઓ પર પડી શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS), શ્રમ વિભાગ (DOL) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંયુક્ત રેગ્યુલેટરી એજન્ડામાં આ ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ઓગસ્ટ મહિનામાં સત્તાવાર પ્રસ્તાવ રજૂ થવાની શક્યતા છે.
પ્રસ્તાવિત ફેરફારો મુજબ યુનિવર્સિટીઓ અને કેટલીક સંશોધન સંસ્થાઓને મળતી H-1B કેપમાંથી મળતી છૂટને મર્યાદિત કરવામાં આવી શકે છે. ઉપરાંત H-1B અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટેના લઘુત્તમ વેતનમાં વધારો, ભરતી પ્રક્રિયામાં ફેરફાર, અમેરિકન કર્મચારીઓની છટણી સંબંધિત નિયમોને વધુ કડક બનાવવાની તેમજ ભેદભાવ વિરોધી જોગવાઈઓમાં સુધારાની તૈયારી ચાલી રહી છે. જેના કારણે કંપનીઓનો ખર્ચ વધવાની સાથે વિઝા પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.
વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના ફેરફારોનો પ્રસ્તાવ છે. હાલ અમલમાં રહેલી 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' વ્યવસ્થા સમાપ્ત કરીને નિશ્ચિત સમયગાળાનો સ્ટુડન્ટ વિઝા આપવાની યોજના છે, જેના કારણે અભ્યાસ પૂર્ણ થયા બાદ વિઝા લંબાવવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે.
આ વર્ષે મે મહિનામાં ભારતના વિદેશ મંત્રી **એસ. જયશંકર**એ આ મુદ્દો અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સમક્ષ ઉઠાવ્યો હતો. રૂબિયોએ સ્વીકાર્યું હતું કે નવા ઇમિગ્રેશન નિયમોના અમલ દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને તણાવ ઊભા થઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પગલાં ખાસ કરીને ભારતને નિશાન બનાવીને લેવામાં આવી રહ્યા નથી, પરંતુ અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધેલી ગેરકાયદેસર ઇમિગ્રેશનની સમસ્યાનો સામનો કરવા અને સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવી રહ્યા છે.
પ્રસ્તાવિત નિયમો અંગે અંતિમ નિર્ણય અને અમલ બાદ જ તેની ચોક્કસ અસર અને સમયરેખા સ્પષ્ટ થશે.
Reporter: admin







