વડોદરા: પાદરા તાલુકાના એક ગામમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી પરિણીતાને બહેન બનાવ્યા બાદ તેની સાથે અઘટિત માંગણી અને દુષ્કૃત્ય કરનાર વિધર્મી યુવાન સામે આખરે પોલીસ ફરિયાદ નોધાઇ છે.
૨૪ વર્ષની પરિણીતાએ વડુ પોલીસ સ્ટેશનમાં સોહિલ યુનુસ વ્હોરા (રહે.દિવાન કોલોની, મુવાલ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રીની બર્થ ડે હતી ત્યારે મારા પતિનો મિત્ર સોહિલ ઘેર આવ્યો ત્યારે પ્રથમ મુલાકાત થઇ હતી. તેણે મારા પતિ પાસેથી મોબાઇલ નંબર મેળવ્યા બાદ તે રોજ મેસેજ કરતો હતો અને બાદમાં મારી પાસેથી ઇન્સ્ટાગ્રામનું આઇડી મેળવીને હું જે વીડિયો અપલોડ કરું તેને લાઇક તેમજ કોમેન્ટ કરતો હતો.રક્ષાબંધનના દિવસે સોહિલ મારા ઘેર આવ્યો હતો અને મારે તને બહેન બનાવવી છે તેમ કહી રાખડી બંધાવી હતી.
ત્યારબાદ તે મેસેજ મોકલતો તો હું તેને ભાઇ સમજીને રિપ્લાય આપતી હતી. થોડા દિવસો બાદ તેણે વોટ્સએપ પર મેસેજ મોકલેલ કે મને તારાથી લવ થઇ ગયો છે, તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે તેમ પૂછ્યું હતું પરંતુ મેં કોઇ જવાબ આપ્યો ન હતો. મેં મારા કેટલાંક ફોટા તેને આપ્યા હતા તે ફોટા એડીટ કરીને ગંદા બનાવી વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપી વીડિયો કોલથી મને શરીર ખુલ્લુ બતાવવા કહેતો હતો.બે મહિના પહેલા હું નોકરી પર હતી ત્યારે રાત્રે ૧૧ વાગે તે આવ્યો હતો અને હોસ્પિટલની પાછળ આવ મારે તને મળવું છે તું આવીશ તો તારા ફોટા સહિત બધુ ડીલીટ કરી દઇશ અને તને હેરાન નહી કરું તેમ કહ્યું હતું. તેની વાત માની હું ત્યાં ગઇ ત્યારે મારો હાથ પકડી ધાબા પર લઇ ગયો હતો અને મારી શરીર સાથે અડપલા કર્યા હતા પરંતુ હું છટકીને ત્યાંથી જતી રહી હતી. ત્યાર બાદ હું જ્યારે નોકરી પર જઉં ત્યારે મને રોજ હેરાન કરતો હતો. થોડા દિવસ પહેલાં તેણે મારી પુત્રીનો ફોટો મોબાઇલ પર મોકલ્યો હતો અને ધમકી આપી હતી કે તું સંબંધ રહી રાખે તો હું તને નહી છોડું તારી ઇજ્જત ઉતારીશ. ઉપરોક્ત ધમકીઓ બાદ આખરે મેં મારી સાસુ તેમજ ભાઇને વાત કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
Reporter: admin