વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીના ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ નવીન અદ્યતન નેનોમટીરીયલનું લેબોરેટરીમાં નિર્માણ કર્યું છે. આ સંશોધનની નોંધ વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક ઈ.સ. 1876 માં સ્થપાયેલ અને યુએસ કોંગ્રેસ દ્વારા ચાર્ટેડ અને 140 દેશોમાં પ્રકાશિત થતી એવી અમેરિકન કેમિકલ સોસાયટીની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતી એપ્લાઇડ એન્જિનિયરિંગ મટીરીયલ જર્નલે પોતાના મુખ્ય કવર પેજ (Volume 2, Issue 3) પર લીધી છે. એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો. સંજીવ કુમારના હાથ નીચે પી.એચ.ડી કરનારા વિશ્વજીત ચાવડાએ પોતાના સંશોધનના ભાગરૂપે આ નવીન નેનોમટીરીયલનું નિર્માણ કર્યું. આ સંશોધનમાં તેમની સાથે સહકર્મી દર્શના હીરપરા (પી.એચ.ડી વિદ્યાર્થીની) અને ડો. વંદના રાવ (વરિષ્ઠ અધ્યાપક) ની મદદથી કરવામાં આવ્યું હતું. પી.એચ.ડી કરનારા વિશ્વજીત ચાવડાએ જણાવ્યું કે, વ્યાપક ઔદ્યોગિકરણ અને શહેરી વિકાસ એ ગંદા પાણીના નિકાલ પાછળના મુખ્ય પરિબળો છે. જે જળ પ્રદૂષણ તરફ દોરી જાય છે. એક મહત્વનો મુદ્દો એ છે કે આ પાણીથી શરીરમાં રંગોનું વિસર્જન થાય છે જેનાથી પાર્થિવ/જળચર જીવો માટે જોખમ ઊભું થાય છે. જળાશયોમાં કપડામાં વપરાતા ઝેરી રંગ/કેમિકલનો નિકાલ એ પાણીના પ્રદૂષણમાં ફાળો આપે છે. નિકાલ કરતા પહેલા ગંદા પાણીમાં છોડવામાં આવતા ઝેરી રંગ/કેમિકલની હાનિકારક અસરોને ઘટાડવા માટે આ સંશોધન કરવામાં આવ્યું છે. આ સમસ્યાનો સામનો કરવા માટે વિશ્વજીત ચાવડા અને તેના સહકર્મીઓ દ્વારા ગ્રેફિન ઓક્સાઇડ-ટાઇટેનિયમ ઓક્સાઈડ નેનોમટીરીયલનું લેબોરેટરીમાં 12 કલાકની રાસાયણિક પદ્ધતિથી નિર્માણ કરવામાં આવ્યું હતું. વિશ્વજીતનું કહેવું છે કે ગ્રેફિન ઓક્સાઇડ જલીય માધ્યમોમાં સરળતાથી વિખેરી નાખે છે જે પ્રદૂષિત પાણીની સારવાર માટે કારગત સાબિત થાય છે.
વધુમાં વિશ્વજીતે આ નેનોમટીરીયલને નવા ક્લાસના દ્રાવણ ડીપ યુટેકટીક સોલવેન્ટ (ડીઇએસ) થી મોડીફાઇ કરવામાં આવ્યું હતું. આ દ્રાવણ તે સહેલાઈથી ઉપલબ્ધ, ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ છે. તૈયાર થયેલા નવીન નેનોમટીરીયલમાં પ્રદૂષિત પાણી (મિથિલીન બ્લુ ડાઈ) નું શોષણ કરવામાં આવે છે. આ નેનોમટીરીયલ 0.5 મિલીગ્રામ માત્રા તે ફક્ત ત્રણ મિનિટમાં પ્રદૂષિત પાણીને 100 % શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરી દે છે અને તે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ બનાવી દે છે. આ નેનોમટીરીયલ તે સંપૂર્ણપણે પ્રદુષિત પાણીને પોતાના અંદર શોષી લે છે.આ સંશોધન દુનિયાના બીજા સંશોધનો સાથે સરખાવવામાં આવ્યું જેમાંથી આ પરિણામ મેળવવાવાળા તેઓ એકમાત્ર સાયન્ટિસ્ટ છે. ઉપરાંત આ નેનોમટીરીયલને સાતથી વધારે વાર ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. જે તેનું ટકાઉપણું સાબિત કરે છે. અત્યારે આ નેનોમટીરીયલ પર સંશોધન હજુ ચાલી રહ્યું છે. અમે તેને વધુ ઝડપથી અને ઓછી માત્રામાં ખૂબ જ સારા પરિણામ મળે તેના પર કામ કરી રહ્યા છીએ. ઉપરાંત આ નેનોમટીરીયલને વિવિધ રંગ/કેમિકલની કંપની, પ્લાસ્ટિકની કંપની, કાપડની કંપની અને ફાર્માસ્યુટિકલ કંપનીઓથી થતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવે તેવા અમારા પ્રયત્નો રહેશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય શુદ્ધ પાણી, શુદ્ધ પર્યાવરણ, સુરક્ષિત પર્યાવરણ અને સુરક્ષિત જીવનનો છે. જો આપણે પીવાલાયક પાણીનો અત્યારથી જ બચાવ કરીશું તો આવનારું ભવિષ્ય અને આપણી આવનારી પેઢી પર કોઈ સમસ્યા નહીં રહે.
Reporter: News Plus