કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વર્ષ 2018ના બજેટમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે પાકોના ટેકાના ભાવ કુલ ઉત્પાદન ખર્ચના 1.5 ગણા વધુ હોવા જોઇએ. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને 14 પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તેલીબિયાં અને કઠોળના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટ દ્વારા જે 14 પાકોના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો ધાનનો ટેકાનો નવો ભાવ પ્રતિ ક્વિંટલ 2300 રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ કરતા 117 રૂપિયા વધુ માનવામાં આવે છે. તેવી જ રીતે ડાંગરનો ભાવ 2183હતો તે વધારીને 2300 રૂપિયા કરાયો છે. જુવારનો ભાવ 3180 રૂપિયા હતો તે વધારીને 3371 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે તુવેરની દાળના ભાવ 7000 રૂપિયાથી વધારીને 7550 રૂપિયા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તલના ભાવ 8653 રૂપિયાથી વધારીને 9267 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મગફળીના ભાવ 6783 રૂપિયા કરવામાં આવ્યા છે.
જે અગાઉ 6377 રૂપિયા હતા, એટલે કે 406 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સનફ્લાવર બીજના ભાવ 7280 રૂપિયા કરાયા છે જે અગાઉ 6760 રૂપિયા હતા, તેમાં 520 નો વધારો કરાયો છે. સોયાબીન (પિળા)નો ભાવ 4892 રૂપિયા નક્કી કરાયો છે જે 4600 હતો તેથી તેમાં 292 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે કપાસ (મધ્ય રેસા) માટે 7121 રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ 6620 રૂપિયા હતો, એટલે કે આશરે 501નો વધારો થયો છે. જ્યારે લાંબા રેસાવાળા કપાસનો ભાવ 7521 રૂપિયા રાખવામાં આવ્યો છે અને તેમાં પણ 501 રૂપિયાનો વધારો કરાયો છે. મગમાં 124 રૂપિયા, અડદમાં 450, બાજરામાં 125, રાગીમાં 444, મકાઇમાં 135 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ પાકોનો ભાવ વર્ષ 2024થી 2025ના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે.
Reporter: News Plus