બુલવૅયોઃ ભારતે રવિવારે આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં અન્ડર-19 વર્લ્ડ કપની અગત્યની મૅચમાં પાકિસ્તાનને 58 રનથી હરાવીને સેમિ ફાઇનલ (Semi final)માં પ્રવેશ કર્યો હતો અને આ પરાજય સાથે પાકિસ્તાન (Pakistan) ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયું હતું.
પાકિસ્તાનની ટીમ 253 રનના લક્ષ્યાંક સામે 194 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એક રીતે ભારતીય અન્ડર-19 (Under-19) ટીમના ત્રણ ગુજરાતી ખેલાડીના યોગદાનને પગલે પાકિસ્તાને પછડાટ ખાવી પડી છે.હવે સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. મંગળવારે (બપોરે 1.00 વાગ્યાથી) પ્રથમ સેમિ ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. બુધવારે (બપોરે 1.00 વાગ્યાથી) બીજો સેમિ ફાઇનલ મુકાબલો ભારત (India) અને અફઘાનિસ્તાન વચ્ચે થશે.રવિવારે પાકિસ્તાન સામે અમદાવાદના વેદાંત ત્રિવેદી (68 રન, 98 બૉલ, 144 મિનિટ, એક સિક્સર, બે ફોર)ના બૅટિંગના સુપર પર્ફોર્મન્સ બાદ વલસાડના પેસ બોલર હેનિલ પટેલે (5-0-30-1) બોલિંગમાં તરખાટ મચાવવાની શરૂઆત કરી હતી.
તેણે ભારતને પાકિસ્તાનની પહેલી વિકેટ વહેલી અપાવી ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ પાણીમાં બેસતી ગઈ હતી. મોડાસામાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પિનર ખિલન પટેલે (9.2-1-35-3) કાંડાની કરામત બતાડી હતી. મુંબઈના ખેલાડી અને ભારતીય ટીમના સુકાની આયુષ મ્હાત્રે (8-0-21-3)નું પણ જીતમાં મોટું યોગદાન હતું. પેસ બોલર દીપેશ દેવેન્દ્રનને બાદ કરતા ભારતના તમામ બોલરને વિકેટ મળી હતી. કનિષ્ક ચૌહાણ (35 રન અને એક વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. કનિષ્કએ ખિલન પટેલ (21 રન, 15 બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે 50 રનની ભાગીદારી કરી હતી
Reporter:







