News Portal...

Breaking News :

દુકાનના માલિકે ટોકનરૂપે માત્ર ૨૦ રૂપિયા લઇને મંગળસૂત્ર ભેટ આપ્યું

2025-06-19 09:40:00
દુકાનના માલિકે ટોકનરૂપે માત્ર ૨૦ રૂપિયા લઇને મંગળસૂત્ર ભેટ આપ્યું


વૃદ્ધજને ઇચ્છા વ્યક્ત કરી કે મારે પત્નીને મંગળસૂત્ર  આપવું છે..!!
સખારામ અને શાંતાબાઇ બંને અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર યાત્રાએ જવા નીકળ્યા હતા



જાલના : છત્રપતી સંભાજીનગરના જ્વેલરીના શોરૂમમાં ધોતિયું- ઝબ્બો અને માથે ટોપીધારી ૯૩ વર્ષના વયોવૃદ્ધે લાકડીના ટેકે પત્ની સાથે પ્રવેશ કર્યો. શોરૂમવાળાને લાગ્યું કે ભીક્ષા માટે આવ્યા લાગે છે. પરંતુ જ્યારે પ્રેમ નીતરતી આંખો પોતાની જીવનસાથી પર ઠેરવીને વૃદ્ધજને ઇચ્છા વ્યક્ત કરી કે મારે પત્નીને ભેટ આપવા માટે મંગળસૂત્ર ખરીદવું છે ત્યારે પ્રેમાળ વૃદ્ધજનની માગણીથી ભાવવિભોર બની ગયેલા શોરૂમના માલિકે માત્ર ૨૦ રૂપિયામાં મંગળસૂત્ર આપીને તેમને રાજી કરી દીધા હતા.જીવનની સમી સાંજે વૃદ્ધજને ઝવેરાતની દુકાનમાં દર્શાવેલા અમરપ્રેમના ઝગમગાટની વિડીયો  ક્લિપ સોશ્યલ મિડિયામાં વીજળી વેગે વાઇરલ થઇ હતી. બુધવારની સાંજ સુધીમાં આ વિડીયો  ૨૬ લાખ લોકોએ જોયો હતો અને આશરે એક લાખ લોકોએ તેના પર કોમેન્ટ કરી હતી. આજના જમાનાના તકલાદી અને તકવાદી પ્રેમસંબંધોને સ્થાને ૯૩ વર્ષના વૃદ્ધે જીવનસાથી પ્રત્યેના અતૂટ પ્રેમની  મિસાલ પૂરી પાડી હતી. કેટલાય લોકોએ કહ્યું હતું કે ઈન્ટરનેટ પર ચારેબાજુ નેગેટિવિટી વચ્ચે લાંબા સમય પછી તેમણે આંખ ભીની કરી દેતું કોઈ દ્રશ્ય જોયું છે. કોઈએ લખ્યું હતું કે માનવતા હજુ જીવે છે તેનો આ પુરાવો છે. કોઈએ લખ્યું હતું કે પાંડુરંગના દર્શને જવાની કોઈને જરુર નથી. અહીં સાક્ષાત પાંડુરંગના દર્શન થઈ ગયાં છે. કેટલાકે આ વિડીયો જોઈ પોતે પણ અન્ય લોકોને આ રીતે મદદ કરશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 


ભીક્ષા માગીને ગુજારો કરતા મૂળ જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગદામના નિવૃત્તી સખારામ શિંદે અને શાંતાબાઇ બંને અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર યાત્રાએ જવા નીકળ્યા હતા.અને રસ્તામાં છત્રપતિ સંભાજીનગરમાં આવી ચડયા હતા. વૃદ્ધજનને કાયમ એક જ રજ રહેતો હતો કે આર્થિક સંકડામણને લીધે હું પત્નીને માટે સુહાગના પ્રતીક સમાન એક મંગળસૂત્ર પણ ખરીદી ન શક્યો. એટલે વડીલે નક્કી કર્યું કે સોનાનું મંગળસૂત્ર ખરીદવાનું આપણું ગજું નથી, પણ સોનાનો ઢોળ ચડાવેલું મંગળસૂત્ર હું આપી શકું તોય ઘણું છે. આમ વિચારીને  વૃદ્ધ દંપતી છત્રપતિ સંભાજીનગરના જ્વેલરી શોરૂમમાં ગયા હતા.વૃદ્ધજને ભીક્ષા માગી માગીને ભેગી કરેલી ૧,૧૨૦ રૂપિયા ભરેલી પોટલી કાઉન્ટર ઉપર ખુલ્લી મૂકી હતી અને મંગળસૂત્ર આપવા કહ્યું હતું. દાદાજીની વૃદ્ધ પત્ની પ્રત્યેની પ્રેમની લાગણી જોઇને ભાવવિભોર બનેલા દુકાનના માલિકો આ પૈસામાંથી ટોકનરૂપે માત્ર ૨૦ રૂપિયા લઇને પ્રેમપૂર્વક મંગળસૂત્ર ભેટ આપ્યું હતું.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વૃદ્ધ દંપતી એકબીજાને સહારે જીવન ગુજારે છે. બધે જ સાથે જ પ્રવાસ કરે છે. લોકો ભીક્ષા આપે એમાંથી ગુજારો કરે છે. એક દીકરો થોડા વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો, જ્યારે બીજો વ્યસનનો બંધાણી હોવાથી મા- બાપનું ધ્યાન નથી રાખતો. એટલે જાતી જિંદગીએ આ બંને જણ એકબીજાનો સહારો બનીને રહે છે.

Reporter: admin

Related Post