નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષક અને શિક્ષકોએ આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ નિષીધભાઈ દેસાઈ અને ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કરની શુભેચ્છા મુલાકાત લીધી.
આ મુલાકાત પિનાકીનભાઈ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ તમામ મુખ્યશિક્ષક અને આચાર્ય મુખ્ય કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તમામ આચાર્યઓ અને શિક્ષકોએ પોતાની શાળાને લગતી વિવિધ કામગીરી અને વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શાળામાં વિવિધ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવે તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થાય તે માટે અધ્યક્ષને સૂચન કર્યું હતું. આ મુલાકાતમાં માન.અધ્યક્ષએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું બોર્ડ શાળાઓના અને શિક્ષકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
આગામી સમયમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કોઈપણ કામગીરી બાકી હોય અથવા શાળા બિલ્ડીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતી કોઈપણ કામગીરી હશે તેને ઝડપથી ઉકેલવામાં આવશે. તેમજ તેઓ જણાવ્યું હતું કે શાળાઓમાં ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવામાં આવે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. શિક્ષણ સમિતિના બજેટની સાથે સાથે સીએસઆર ફંડ દ્વારા પણ શાળાઓને વધુમાં વધુ કેવી રીતે મદદ થઈ શકે તેના માટે આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે પિનાકીનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ સમિતિ દ્વારા હંમેશા શાળાઓની અને શિક્ષકોની ચિંતા કરવામાં આવી છે અને સતત તેમના માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ તબક્કે નવીન ચેરમેન અને વાઈસ ચેરમેન દ્વારા પણ આ બાબતે વિચારણા કરવામાં આવે અને સૌના સાથ સહકારથી શાળાઓના અને શિક્ષકોના વિકાસ માટે કામગીરી કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું.
Reporter: admin