માધવપુર: સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પોરબંદરના માધવપુરના ઘેડના મેળો 27 માર્ચથી 31 માર્ચ 2026 સુધી યોજાશે.
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના પૌરાણિક સ્થળો સાંસ્કૃતિક વિરાસત સમાન છે અને પૌરાણિક પુસ્તકોમાં માધવપુર ઘેડ ગુર્જર ભૂમિનું પ્રાચીન સાંસ્કૃતિક સ્થળ તરીકે ઉજાગર થયેલું છે, ત્યારે આપણે માધવપુર ઘેડ આસપાસના 25 જેટલાં પ્રવાસન સ્થળોના ઈતિહાસ વિશે જાણકારી મેળવીએ માધવરાયનું પુરાણું મંદિર: 13મી સદીનું આ જૂનું મંદિર સમુદ્રથી ઉપર 200 ફૂટ ઉપર આવેલું વિષ્ણુમંદિર છે.
મંદિરના વિવિધ શિલ્પો, કલા કારીગીરી, શિખર આ મલક ગર્ભદ્વાર-ગોખના શિલ્પો ઉપરથી આ જૂનું જીણું મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જણાવે છે. જૂના મંદિરની અંદર શ્રીમાધવરાયજી ત્રીકમરાયજીની પૂરા કદની જુગલ-જોડી હતી. સં. 1799માં હવેલી બંધાતા આ મૂર્તિઓની ત્યાં વૈષ્ણવી પ્રણાલિકા મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી. સૌરાષ્ટ્રના વિખ્યાત બહારવટિયા મૂળુ માણેક અને જોધા માણેક અહીં આવીને આ મંદિર ઉપર ભગવાન શ્રીકૃષ્ણની ધજા ફરકાવી ગયેલા એવી કિંવદંતી છે. અત્યારે પણ આ મંદિર ભૂતકાળની ગૌરવગાથા રજૂ કરતું ઊભું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા તેની મુળ ગરીમાને જાળવી રાખવાના સંકલ્પ સાથે આવનારી પેઢીઓ આ સાંસ્કૃતિક વિરાસત નીહાળી શકે તે માટે આ મંદિરના રિ-સ્ટોરેશનનું કાર્ય હાથ કરવામાં આવ્યું છે. માધવરાયજીની નવી હવેલી: પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં. 1896માં જૂના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે.
Reporter: admin







