પુણે: મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પુણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો છે.

આ દુર્ઘટનામાં 10થી 15 લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના સ્થળ પર 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં 10થી 15 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ બ્રિજ પર ઉપસ્થિત હતાં. ઘટના પુણેના માવલ તાલુકાની છે. જ્યાં આવેલું કુંદમાલા એ પ્રચલિત પ્રવાસન સ્થળ છે. પોલીસે અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે.
માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રજાનો દિવસ (રવિવાર) હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળ સ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતાં. પરંતુ અચાનક બ્રિજ તૂટી પડતાં લોકો તણાયા હતાં. કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો બ્રિજ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે, રવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક બ્રિજ તૂટી પડ્યો હતો. હજુ બચાવ કામગીરી ચાલુ છે.
Reporter: admin







