વડોદરા : શહેરમાંથી દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં ધન કચરાનાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહિતની 10 વર્ષ માટેની ટેન્ડરમાં જણાવ્યા મુજબની કામગીરી કરવા માટે અલગ-અલગ ત્રણ ઝોનના ટેન્ડર આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
જેમાં આઠ કલાકની કામગીરી માટે રૂપિયા 5515ના ભાવે નાના વાહનો સહિતના ભાવ અંગે નિર્ણય લેવાશે.શહેરમાં એક તરફ ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ ખૂબ જ અનિયમિત આવે છે અને વારંવાર તે અંગે શહેરીજનો ઉપરાંત કોર્પોરેટરો દ્વારા પણ ફરિયાદો થઈ રહી છે. બીજી તરફ ડોર ટુ ડોરના વાહનો દ્વારા થતા અકસ્માતના કારણે બાળકના પણ મૃત્યુ થવા જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે સ્થાયી સમિતિમાં વધુ એક વખત ડોર ટુ ડોરના કામનો ઇજારો આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ઝોન માટે દસ વર્ષનો ઈજારો આપવા વિવિધ શરતોને આધીન કામ મંજૂર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.
દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કામ કરવા માટે મેં.વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા.લી. તથા પશ્ચિમ વિસ્તારમાં મેં.ઓમ સ્વચ્છતા કોર્પોરેશને ભરેલા ટેન્ડર યોગ્ય હોવાનું જણાવી તે કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ કરાયું છે. આગામી તારીખ 10ને શુક્રવારના સાંજના સમયે મળનાર સ્થાયી સમિતિમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.ઓફર કરેલ ટેન્ડર મુજબ વિવિધ શરતો પૈકિ જુદી-જુદી કામગીરી-વાહનો માટેનાં જણાવેલ નેગોશીયેટેડ ભાવથી SGV (Small Goods Vehicle)નાં દૈનિક 8 કલાકની કામગીરીનાં રૂ.5,515 જયારે અન્ય વાહનો અને કામગીરીઓનાં ટેન્ડર મુજબના જણાવેલ ભાવથી, સ્કોપ ઓફ વર્ક મુજબ અને ટેન્ડરની શરતોથી કામગીરી સોંપવા તથા આ બાબતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
Reporter: admin