તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવાદ: ભાજપ હોદ્દેદારોની હાજરીને લઈ વિરોધ, યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ ન મળતાં આશ્ચર્ય
વડોદરા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભા દરમિયાન કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચનાને લઈ વિવાદ સર્જાયો હતો. સભામાં ભાજપના તાલુકા સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહેતા વિપક્ષે આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો.પંચાયત એક્ટ મુજબ સામાન્ય સભામાં માત્ર ચૂંટાયેલા સભ્યો, સચિવ અને અધિકારીઓ જ હાજર રહી શકે છે. છતાં આજની બેઠકમાં ભાજપના તાલુકા પ્રમુખ દર્પણ પટેલ અને અન્ય સંગઠન હોદ્દેદારો હાજર રહેતા વિવાદ ઊભો થયો હતો. વિપક્ષના સભ્યોએ નિયમોના ભંગનો આક્ષેપ કર્યો હતો, પરંતુ સત્તાપક્ષ પાસે બહુમતી હોવાને કારણે ચર્ચા આગળ વધી શકી નહોતી.સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બ્રિજેશ ઠાકોર તથા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સમિતિમાં કુલ 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ સામેલ છે. તે જ રીતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મથુર રાઠોડિયા તથા પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
આ તમામ પ્રક્રિયા વચ્ચે સૌથી વધુ ચર્ચાનો મુદ્દો એ રહ્યો કે વડોદરાના માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના તાજેતરના નિધન બાદ યોજાયેલી આ પ્રથમ સામાન્ય સભામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નહોતી. સભામાં બે મિનિટનું મૌન પણ ન પાળવામાં આવતા ઉપસ્થિત સભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સભામાં બનેલા આ સમગ્ર ઘટનાક્રમને લઈ રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે અને નિયમો તથા પરંપરાના પાલન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.આ મુદ્દે પૂછવામાં આવતા તાલુકા પંચાયત અધ્યક્ષ પૂનમ જાધવે સ્પષ્ટ જવાબ આપવાને બદલે ટાળટૂળ જવાબ આપ્યો હતો. તેમજ સંગઠન પ્રમુખની હાજરી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે તેઓ મંજૂરી સાથે હાજર રહ્યા હતા.
Reporter: admin







