ગાંધીનગર: ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને જે પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમની પરીક્ષાની તારીખ ગુજરાત બોર્ડે જાહેર કરી છે.
મળતી માહિતી મુજબ, 24 જૂનથી ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રાંરભ થશે. ધો. 12 ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી જ શરૂ થશે.
પરીક્ષામાં નાપાસ થયેલા કે કોઈ કારણસર પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગુજરાત બોર્ડ દ્વારા 15 મેના રોજ એટલે કે ગઈકાલે ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જાહેરાત કરી હતી. જે મુજબ, ધો. 10 ના જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માગે છે તેઓ પરીક્ષાના ફોર્મ 15 મે 2024 ની સાંજે 5 વાગ્યાથી 22 મે 2024 ની સાંજે 5 વાગ્યા સુધી ભરી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005ના વિનિયમ 16 (1) ની જોગવાઈ અનુસાર ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા તા.24/06/2024થી યોજવામાં આવશે. ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર ક૨વામાં આવશે.
Reporter: News Plus