ઇન્કમટેક્સના કરદાતાઓની તમામ જાણકારી ૨૬ એઆઈએસમાં પહેલેથી જ આપે છે!
નવી દિલ્હી : ઇન્કમટેક્સના કરદાતાઓની તમામ જાણકારી ૨૬ એઆઈએસમાં પહેલેથી જ ભરપાઈ કરીને આઇટી દ્વારા પોર્ટલ પર આપી દેવામાં આવતી હોય છે. જોકે તેમાં સુધારો કરવાની અત્યાર સુધી વ્યવસ્થા નહોતી, પરંતુ હવેથી કરદાતા દ્વારા જયારે ૨૬ એઆઈએસને જોયા બાદ સુધારો કરવા માટેની વિગતો અપલોડ કરવામાં આવે તો તેમાં પુરાવાના આધારે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સુધારા કરી આપશે.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોના આધારે ૨૬ એઆઇએસ (એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ) ફોર્મ તૈયાર કરીને આપવામાં આવે છે. તેમાં કરદાતાની વર્ષ દરમિયાન કરેલી ખરીદી, વેચાણ, રોકાણની તમામ વિગતો આપી દેવામાં આવે છે.
આ ફોર્મમાં કેટલીક વખત અન્ય કરદાતાની પણ વિગત આપી દેવામાં આવે છે તેવી ફરિયાદ ઊઠી હતી. તે આધારે ફોર્મમાં સુધારા કરીને કરદાતા દ્વારા તેને લગતી વિગતો આપવામાં આવે અને તેના પુરાવા પણ આપવામાં આવે તો તેને સુધારી આપવામાં આવનાર છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કરદાતાઓને આ વિગતો સુધારી શકવાનો અવકાશ નહીં હોવાના લીધે કેટલીક વખત કરદાતાએ રિટર્ન ખોટું ભર્યુ હોવાનું જણાવીને નોટિસ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં સુધારો થઈ શકવાના કારણે કરદાતાઓને જે નોટિસ ભૂલમાં આપવામાં આવતી હતી. તેમાં સુધારો થવાની શક્યતા રહેલી છે. જેથી ઈન્કમટેક્સ વિભાગની સાથે સાથે કરદાતાઓને પણ રાહત થવાની છે. પરંતુ તેના માટે કરદાતાએ પોર્ટલ પર જઈને ફીડબેકમાં આ તમામ વિગતો પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. તે પુરાવાના આધારે ઇન્કમટેકસ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે, કારણ કે કેટલાક કરદાતાઓ ઓછો ટેક્સ ભરવા માટે પણ આ વિગતો પોતાની નથી તેવો દાવો કરી શકતા હોય છે. તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. જોકે કરદાતાઓ દ્વારા રજૂ કરાયેલી વિગતોના આધારે સુધારા કરવામાં આવ્યા હશે તો રિટર્ન ભરવામાં પણ કરદાતાઓને સરળતા રહેવાનું જાણકારો કહી રહ્યા છે.
Reporter: News Plus