ખાડોદરા બનેલા વડોદરા શહેરમાં રસ્તાઓના ઠેકાણા નથી પણ નવા રસ્તાઓ બનાવાના નામે અને પેવર બ્લોક નાખવાના નામે મોટા પ્રમાણમાં ખાયકી થાય છે અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળાં થઇ જાય છે. પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવીને 17.50 ટકા વધુ ભાવ આપીને ત્રણ કામોને મંજૂરી મેળવી લીધી છે.

આ સાથે લાલબાગ ખાતે ઉંચી નવી ટાંકી બનાવાના સહિતના કામમાં પણ 36 ટકા વધુના ભાવની વિવાદાસ્પદ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. વડોદરામાં દર ચોમાસે રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે અને વડોદરા ખાડોદરા બની જાય છે. ગુણવત્તા વગરના કામોને આડેધડ રીતે કરતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે સ્થાયીમાં કામોને મંજૂરી પણ આપી દેવામાં આવે છે. ખાસ કરીને સૌથી વધારે ખાયકી રસ્તાના કામોમાં જ થાય છે.દર ચોમાસા પહેલા વરસાદમાં રોડના કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીની મિલી ભગતની પોલ ખુલી જાય છે.અને આ વાત જગજાહેર છે ત્યારે આજે મળેલી સ્થાયીની બેઠકમાં આવા ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરના કિર્તી સ્તંભ સર્કલથી બગીખાના થી જયરત્ન ચાર રસ્તા સુધીના રસ્તા બનાવાના કામે કોન્ટ્રાક્ટર રાજ ઇન્ફાસ્ટ્રકચરનું 58283643 નું ભાવ પત્ર મંજુર કરવામાં આવ્યું છે જે 17.50 ટકા વધુ ભાવનું છે.

આ ઉપરાંત વોર્ડ નંબર 13 જયરત્ન ચાર રસ્તાથી રામકૃષ્ણ બ્લોક સુધી ડીવાઇડર અને ફૂટપાથ સાથે રસ્તાનું કાર્પેટ સીલકોટ કરવાના કામમાં કોન્ટ્રાક્ટર શાંતિલાલ બી પટેલનું 60304890 નું ભાવ પત્ર મંજૂર કરાયું છે અને આ ભાવપત્ર પણ 17.50 ટકા વધુ છે. આ સાથે બરોડા ડેરીથી તરસાલી જંકશન સુધી પેવર બ્લોક અને ફઊટપા તથા પાર્કિંગ બનાવાના કામમાં કોન્ટ્રાક્ટર પી.ડી.કન્સ્ટ્રક્શનના 65820582 નું ભાવ પત્ર મંજૂર કરાયું છે જે પણ 17.50 ટકા વધુ છે. ત્રણેય કામોને જે રીતે સ્થાયીએ મંજૂરીઆપી છે તેમાં રીંગ બનાવીને કોન્ટ્રાક્ટરોએ 17.50 ટકાનો વધુ ભાવ મેળવ્યો છે અને કોન્ટ્રાક્ટરોને ઘી કેળાં થઇ ગયા છે. આ સિવાય એક વધુ વિવાદાસ્પદ નિર્ણયમાં લાલબાગ ખાતે ઉંચી ટાંકી, પંપરુમ, ડિમોલીટ કરી નવી ઉંચી ટાંકી અને પંપ રુમ તથા ફીડર લાઇન પંપીગ મશીનરી સાથે ઇલેકટ્રીક અને મકેનિકલ વર્ક માટે કોન્ટ્રાક્ટર આકાર કન્સ્ટ્રક્શનના મુળ અંદાજથી 39.26 ટકા વધુ મુજબના 16,99,02, 02300 રુપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે.



Reporter: admin