News Portal...

Breaking News :

સયાજીબાગ ઝૂમાં ગરમીથી પ્રાણીઓના રક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

2025-05-02 15:20:38
સયાજીબાગ ઝૂમાં ગરમીથી પ્રાણીઓના રક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું


શહેરમાં ગરમીનું જોર સતત વધતું જઈ રહ્યું છે અને પારો ૪૦ ડિગ્રીને પણ પાર કરી ગયો છે. આવી પરિસ્થિતિમાં વડોદરાના સયાજીબાગ ઝૂમાં રહેલા પ્રાણી અને પક્ષીઓને આડઅસર ન થાય અને તેમને ગરમીથી બચાવી શકાય તે માટે વડોદરા મહાનગરપાલિકા તથા ઝૂ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.


ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ પ્રાણીઓ માટે ઠંડકરૂપ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાંજરાઓની આસપાસ અને અંદર દરરોજ બે વખત પાણીનો છંટકાવ થાય છે. પાંજરાઓની ઉપર સૂકા ત્રાલ્સા નખાયા છે જેથી છાંયડો રહી શકે અને અંદર ઠંડક બની રહે. તદુપરાંત, દરરોજ આશરે સવાસો કિલો બરફ મંગાવવામાં આવે છે અને તે પ્રાણીઓની સંખ્યા અને આકાર પ્રમાણે પાંજરામાં ઉપલબ્ધ કરાવાય છે, જેથી તેઓ ઠંડક અનુભવતા રહે. 


પીવાના પાણીમાં વેટરનેરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે, જે તેમને સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે સાથે ડીહાઈડ્રેશન થતું અટકાવે છે. ખોરાકમાં પણ ખાસ કાળજી લેવામાં આવે છે. સિઝનલ ફળફળાદીનો સમાવેશ વધારવામાં આવ્યો છે જેથી પ્રાણીઓ તાજગી અનુભવે છે અને પોષણ પણ પ્રાપ્ત કરે છે.સયાજીબાગ ઝૂમાં અપનાવવામાં આવેલા આ અનોખા પગલાં પ્રાણીઓ માટે રાહતદાયક સાબિત થઈ રહ્યા છે અને ગરમીમાં પણ તેમનું આરોગ્ય જળવાઈ રહે તે દિશામાં અગત્યનો ફાળો આપી રહ્યા છે.

Reporter: admin

Related Post