વડોદરા : વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં -1 ખાતે પહેલગામના આતંકવાદી હૂમલામાં મૃત્યુ પામેલા મૃતકોના માનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા આવેલ બૈસરન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓ પર જાતિ ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા 26 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ છે સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે ત્યારે મૃતકોના માનમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન, વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં -1 પર આજે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા છેલ્લા 16 વર્ષથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં અઢી હજાર યુનિટ રક્તદાન કરી ચૂક્યા છે જેના થકી અનેક જરુરિયતમંદ દર્દીઓને જીવતદાન મળ્યું છે.

હાલમાં પહેલગામ આતંકી હૂમલામાં 26 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે દેશમાં કોઇપણ પ્રકારની આફતો સમયે રક્તની જરુરીયાત ઉભી થશે ત્યારે ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા રક્તદાન શિબિર યોજી વધુ રક્ત યુનિટ આપશે.આ પ્રસંગે ડીઆર એમ રાજુ પી ભડકે, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન ના જનરલ સેક્રેટરી જે.આર.ભોસલે, મહાસચિવ સંજય પવાર,મંડલ અધ્યક્ષ એ.પી.મોરિયા,મંડલ કોષાધ્યક્ષ જયેશ સોલંકી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: admin