News Portal...

Breaking News :

SOGની મોટી કાર્યવાહી: દત્તનગર વિસ્તારમાંથી નશાકારક કફ સીરપ અને ટેબલેટનો જથ્થો ઝડપાયો, એક આરોપી પકડાયો

2026-06-18 10:57:26
SOGની મોટી કાર્યવાહી: દત્તનગર વિસ્તારમાંથી નશાકારક કફ સીરપ અને ટેબલેટનો જથ્થો ઝડપાયો, એક આરોપી પકડાયો

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત એસ.ઓ.જી. પોલીસે આજવા રોડ, સયાજીપાર્ક વિસ્તારના દત્તનગરમાંથી નશાકારક કફ સીરપ અને પ્રતિબંધિત ટેબલેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કુલ અંદાજિત રૂ. ૯૬,૧૪૧/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી.ના ઇન્સ્પેક્ટર બી.ડી. જિતીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દત્તનગર વિસ્તારમાં રહેતો એક ઇસમ પોતાના મકાનમાં કોડીન કફ સીરપ અને અન્ય નશાકારક દવાઓ સંતાડી રાખી વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન નં. ૪૨૨/૪૨૩ ખાતે રહેતા સતનામસિંગ મગનસિંગ ઉર્ફે દયાલસિંહ સિકલીગરને ઝડપી લીધો હતો. સ્થળ પરથી કફ સીરપની બોટલો, ટ્રામાડોલ કેપ્સ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તથા એફ.એલ.એસ. અધિકારીની હાજરીમાં તપાસ કરતાં તમામ પદાર્થો નશાકારક અને પ્રતિબંધિત હોવાનું પુષ્ટિ થયું હતું.

પ્રાથમિક તપાસમાં આરોપીએ આ જથ્થો વડોદરાના યમુનાનગર વિસ્તારના હિરવ અજીતભાઇ પંડયા પાસેથી ગેરકાયદેસર રીતે ખરીદી વેચાણ માટે રાખ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ 1985ની કલમ 8(સી), 21(સી) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

Reporter:

Related Post