દેહવ્યાપારના રાકેટમાં સંડોવાયેલ ૧૪ માસથી નાસતો આરોપી મહેશ ઉફે રોનક દેવરે પકડાયો
યુવતીઓને હોટલમાં રોકીને દેહવ્યાપાર કરાવનાર આરોપીને અટલાદરા રોડ પરથી એસ.ઓ.જી.એ ઝડપ્યો
વડોદરા શહેર એસ.ઓ.જી.ની ટીમે મહત્વની કાર્યવાહી કરીને ઈમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ૧૪ માસથી નાસતા ફરતા આરોપી મહેશ ઉફે રોનક દેવીદાસ દેવરેને પકડી પાડ્યો છે. આરોપીને વારસીયા પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતે ટીમો બનાવીને એન.ડી.પી.એસ. એક્ટ તથા અન્ય ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવાની કામગીરી તીવ્ર બનાવી હતી. આ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહને વિશ્વાસુ બાતમીદાર પાસેથી માહિતી મળી કે આરોપી અટલાદરા રોડ, બીલ નાકા પાસે રોડ પર ઊભો છે.
બાતમી મુજબ ટીમે તુરંત સ્થળે પહોંચીને આરોપીને પકડી લીધો અને પૂછપરછ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મહેશ ઉફે રોનક દેવરે રહે. એ/૩૦૨, કૃષ્ણ દર્શન ફ્લેટ, આમોદ સ્ટેમ્પિંગ ફેક્ટરી, સમીયાલા રોડ, તાલુકો-જિલ્લો વડોદરા ખાતે રહે છે. તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને યુવતીઓના ફોટા વોટ્સએપ પર મોકલીને ગ્રાહકો સાથે ભાવતાલ નક્કી કરતો હતો. મોબાઇલ દ્વારા છોકરીઓને સંપર્ક કરી હોટલમાં બોલાવીને દેહવ્યાપાર કરાવતો હતો. ગ્રાહક પાસેથી રૂપિયા લઈને છોકરીઓને રૂ.૨૫૦૦થી રૂ.૩૦૦૦ આપતો અને પોતાનો અંગત સ્વાર્થ સાધતો હતો. તેણે મજબૂર સ્ત્રીઓ અને છોકરીઓની મજબૂરીનો લાભ લઈને તેમને રોકી રાખી કુટુંબખાનાની કમાણીમાંથી ગુજરાન ચલાવતો હતો. અન્ય રાજ્યોમાંથી સ્ત્રીઓને બોલાવીને પણ આ ધંધો ચલાવતો હતો.આરોપી વિરુદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૮૨૪૦૩૫૧/૨૦૨૪ હેઠળ ધી ઈમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬, ૭ મુજબ ગુનો નોંધાયેલ છે. આ ગુનામાં તે આજદિન સુધી નાસતો ફરતો હતો અને ધરપકડ થઈ ન હતી.આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ગંભીર છે. તે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા (કલમ ૪, ૫) અને ઇ.પી.કો. (કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪) તથા જી.પી. એક્ટ ૧૩૫ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો છે.આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત, એ.એસ.આઈ. તવજયરાવ ગોવિંદરાવ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ રમેશભાઈ અને અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીલીપભાઈ જગમાલભાઈએ સારી કામગીરી બજાવી છે.આ સફળતા વડોદરા શહેરમાં માનવ તસ્કરી અને દેહવ્યાપાર જેવા અપરાધો સામે પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે. એસ.ઓ.જી.ની ટીમો આવા ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા માટે સતત સક્રિય છે.
Reporter: admin







