News Portal...

Breaking News :

સ્માર્ટ સિટીનાં કોઈ પણ પ્રોજેક્ટમાં દિવ્યાંગોને વિશેષ સુવિધાઓ નહી મળી

2026-06-12 10:28:34
સ્માર્ટ સિટીનાં કોઈ પણ પ્રોજેક્ટમાં દિવ્યાંગોને વિશેષ સુવિધાઓ નહી મળી


સ્માર્ટ સિટીનાં કોઈ પણ પ્રોજેક્ટમાં દિવ્યાંગોને વિશેષ સુવિધાઓ નહી મળી

જ્યારે કાગળ પરની ફાઈલો ડિજિટલ થઈ જાય અને શાસકોની સંવેદનશીલતા પથ્થરની થઈ જાય, ત્યારે સિસ્ટમ 'સ્માર્ટ' નહીં પણ સામાજિક રીતે અંધ બની જતી હોય છે. વડોદરાને આધુનિકતાનાં ચશ્મા પહેરાવીને હાઈટેક બનાવવાના આંધળા આયોજનમાં સમાજના સૌથી લાચાર અને દિવ્યાંગ વર્ગને જ હાંસિયામાં ધકેલી દેવાનો કાયદાકીય ગુનાહિત ખેલ હવે જગજાહેર થયો છે. બજારનાં કરોડો રૂપિયા આઈટી પ્રોજેક્ટ્સનાં નામે સ્વાહા કરી નાખતું આ વહીવટી તંત્ર ભૌતિક સ્તરે માનવતાના ધારાધોરણોમાં કેટલું ખોખલું અને સંવેદનહીન સાબિત થયું છે, તે સામાજિક નિષ્ફળતાનાં આંકડા ખુદ સત્તાવાર ઓડિટ અહેવાલે જાહેર કરીને સ્માર્ટ સિટીનાં તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયની સ્પષ્ટ ગાઈડલાઈન્સ અને સ્માર્ટ સિટી પ્રપોઝલના કરારોમાં એ વાત સ્પષ્ટ લખવામાં આવી છે કે તમામ જાહેર માળખાગત સુવિધાઓ દેશના દિવ્યાંગ નાગરિકોને અનુકૂળ હોવી જોઈએ. આ સામાજિક અને કાનૂની પ્રતિબદ્ધતા છતાં વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લીમિટેડ દ્વારા હાથ ધરાયેલા પેન-સિટી પ્રોજેક્ટ્સમાં દિવ્યાંગો માટે કોઈ ખાસ પહેલ કે સમર્પિત પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા નથી તેવો ચોંકાવનારો ખુલાસો સત્તાવાર ઓડિટમાં થયો છે. નવી બનેલી સરકારી ઇમારતો અને આધુનિક સુવિધાઓમાં દિવ્યાંગ મૈત્રીપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ તૈયાર નથી કરાયું તે અંગે ઓડિટ વિભાગે અત્યંત આકરા સવાલો ઉઠાવ્યા છે. આ ગંભીર ક્ષતિઓ અંગે જ્યારે ઉચ્ચ સત્તાધીશો પાસે લેખિતમાં વિગતો અને સ્પષ્ટતા માંગવામાં આવી, ત્યારે સ્માર્ટ સિટી કંપનીએ પોતાની સામાજિક જવાબદારીઓમાંથી સંપૂર્ણપણે હાથ ધોઈ નાખ્યા હતા. તંત્રએ ઓડિટ ટીમને એવો જવાબ આપ્યો હતો કે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વિવિધ લાયસન્સ અને પરમિટ જેવી નાગરિક સુવિધાઓનું ડિજિટાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. આ તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ હોવાને કારણે દિવ્યાંગ નાગરિકો સરકારી કચેરીઓની મુલાકાત લીધા વિના ઘરે બેઠા જ તમામ કામો કરી શકે છે, તેથી દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ન હોવા છતાં કોઈ મુશ્કેલી નથી.જોકે, ઓડિટ વિભાગે તંત્રના આ ઓનલાઈન સેવાઓ પાછળ છુપાવવાના લૂલા બચાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અહેવાલમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે ડિજિટલ સેવાઓ આપવી એ ભૌતિક અને ટેકનિકલ એક્સેસિબિલિટીનો પર્યાય હોઈ શકે નહીં. ઓડિટમાં દિવ્યાંગો માટેના ચોક્કસ પ્રોજેક્ટ્સ અને સુગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદાહરણો માંગવામાં આવ્યા હતા, જે આપવામાં સ્માર્ટ સિટી સત્તાવાળાઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. વધુમાં, નવી ઇમારતોમાં દિવ્યાંગો માટે રેમ્પ કે અન્ય જરૂરી સુવિધાઓ ન હોવાના મુદ્દે સ્માર્ટ સિટી ઓથોરિટીએ એવો વિચિત્ર બચાવ કર્યો હતો કે આ સવાલો આઈટી વિભાગને લાગુ પડતા નથી.આ આખી વહીવટી ખેંચતાણ વચ્ચે ઓડિટ ઓબ્ઝર્વેશન એક મોટા સામાજિક મુદ્દા તરફ આંગળી ચીંધે છે. સ્માર્ટ સિટી મિશનનો મૂળ હેતુ માત્ર કાગળો કે સરકારી પોર્ટલને ડિજિટલ કરવાનો નથી, પણ સમાજનાં નબળા અને દિવ્યાંગ વર્ગને ભૌતિક તેમજ ટેક્નોલોજીકલ સ્તરે સમાન તકો આપવાનો છે. કેન્દ્ર સરકારનાં માનવતાવાદી ધારાધોરણોનો ભંગ કરીને દિવ્યાંગ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીન વલણ દાખવનાર વડોદરા સ્માર્ટ સિટીની આ નીતિઓએ તંત્રની સંવેદનશીલતા અને પારદર્શિતાના દાવાઓની પોલ ખોલી દીધી છે.

દિવ્યાંગ અધિકારો પર તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા.
સામાન્ય જનતા પાસે કાયદા અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે લાકડી લઈને દોડતું તંત્ર જ્યારે ખુદ કેન્દ્ર સરકારની માનવતાવાદી માર્ગદર્શિકાના લીરેલીરા ઉડાડે, ત્યારે આખી વ્યવસ્થાની નૈતિકતા શૂન્ય થઈ જાય છે. ટેક્સ અને પરમિટ ઓનલાઈન કરી દીધાના પોકળ બહાના હેઠળ દિવ્યાંગોને જાહેર સ્થળો પર મુક્ત હરવા-ફરવાના મૂળભૂત ભૌતિક અધિકારોથી વંચિત રાખતી આ વ્યવસ્થા ખરેખર કઈ દિશામાં સ્માર્ટ બની રહી છે તે મોટો સવાલ છે. હવે જોવાનું એ રહે છે કે ઓડિટ વિભાગે કાયદાનો જે અરીસો બતાવ્યો છે, તે જોઈને શાસકોની આંખ ઊઘડશે કે પછી 'આ સવાલ અમારા વિભાગનો નથી' તેવા હાસ્યાસ્પદ બહાના હેઠળ આવી ચૂક સામે આંખ આડા કાન કરીને કસૂરવારોની ચામડી બચાવી લેવાશે?


નિયમોનું ઉલ્લંઘન


કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયની કડક માર્ગદર્શિકા હોવા છતાં, નવી સરકારી ઇમારતોમાં દિવ્યાંગો માટેના વ્હીલચેર રેમ્પ કે સુગમ માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી.
સ્માર્ટ સિટી પ્રપોઝલની પ્રાથમિક શરતો અનુસાર જાહેર સુવિધાઓ સર્વસમાવેશક હોવી જોઈએ, પરંતુ પેન-સિટી પ્રોજેક્ટ્સ હેઠળ દિવ્યાંગ નાગરિકો માટે કોઈ પણ સમર્પિત ભૌતિક કે ટેક્નિકલ પહેલ શરૂ કરાઈ નથી.


તંત્રનો લૂલો બચાવ


વડોદરા સ્માર્ટ સિટી ઓથોરિટીએ સામાજિક નિષ્ફળતા છુપાવવા એવો તર્ક આપ્યો છે કે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને પરમિટ જેવી નાગરિક સેવાઓ ઓનલાઈન હોવાથી દિવ્યાંગો ઘરે બેઠા તેનો લાભ લઈ શકે છે.


નવી બનેલી સરકારી કચેરીઓમાં ફિઝિકલ એક્સેસિબિલિટી (ભૌતિક સુગમતા) કેમ નથી તેવા કાનૂની સવાલો સામે સ્માર્ટ સિટીના વડાઓએ આખી જવાબદારીમાંથી છટકવા માટે એવો બચાવ કર્યો કે આ બાબત આઈટી વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી નથી.


ગુજરાતની અસ્મિતાના સવાલો


૧. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયના સ્પષ્ટ આદેશો હોવા છતાં વડોદરા સ્માર્ટ સિટીના પેન-સિટી પ્રોજેક્ટ્સમાં દિવ્યાંગો માટે અલાયદી સુવિધાઓ કેમ ન રાખવામાં આવી?
૨. ટેક્સ અને લાયસન્સ ઓનલાઈન કરી દીધાનું બહાનું બતાવીને દિવ્યાંગ નાગરિકોને જાહેર સ્થળો કે સરકારી ઇમારતોમાં સમાન ભૌતિક સુવિધાઓથી વંચિત રાખવા કેટલા અંશે વ્યાજબી છે?
૩. ઓડિટ વિભાગે જ્યારે કાયદાકીય જોગવાઈઓ મુજબ સુવિધાઓના નમૂના માંગ્યા, ત્યારે સ્માર્ટ સિટી કંપની એક પણ ચોક્કસ ઉદાહરણ કે સમર્પિત પ્રોજેક્ટની વિગતો કેમ રજૂ ન કરી શકી?
૪. નવી બનેલી સરકારી કચેરીઓમાં દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ માળખા અંગે પૂછાયેલા પ્રશ્નો સામે 'આ સવાલ આઈટી વિભાગને લાગુ પડતો નથી' તેવો બિનજવાબદાર જવાબ આપીને અધિકારીઓ કોને બચાવી રહ્યા છે?

૫. સ્માર્ટ સિટી મિશન હેઠળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં સમાજનાં દિવ્યાંગ વર્ગની ભૌતિક અને ટેક્નોલોજીકલ જરૂરિયાતો પ્રત્યે ભયંકર ઉદાસીનતા દાખવનાર કસૂરવાર વહીવટી વડાઓ સામે ક્યારે પગલાં લેવાશે?

Reporter: admin

Related Post