વડોદરામાં રસ્તાઓ પર સ્પીડનું ભૂત સવાર હોય તેમ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી શાંતાપાર્ક સોસાયટી પાસે એક બેફામ બનેલી કારે રસ્તે જઈ રહેલા સાયકલ સવારને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર સીધી રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં શાંતાપાર્ક સોસાયટી પાસે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલક કંઈ સમજે તે પહેલા કારે સામેથી આવતા એક સાયકલ સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ઉછળીને સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

આ અકસ્માતને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સાયકલ સવારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ સાયકલ સવારની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર ઘટના સ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે. સ્થાનિકોમાં આ અકસ્માતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.


Reporter: admin







