ભારતીય શેરબજારમાં આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને રોકાણકારોની ખરીદીના કારણે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત ઉછાળો નોંધાયો.
આજે સવારે BSE સેન્સેક્સ 655 પોઈન્ટના વધારા સાથે 78,152.34 પર ખુલ્યો અને થોડા જ સમયમાં 78,157.52ની ઊંચી સપાટીએ પહોંચી ગયો. બીજી તરફ NSE નિફ્ટી 24,375.65 પર ખુલ્યો અને ત્યારબાદ 200થી વધુ પોઈન્ટ ઉછળીને 24,378.15ની સપાટીએ પહોંચ્યો.
શેરબજારમાં આવેલા આ તેજીના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ₹2.43 લાખ કરોડથી વધુ વધ્યું છે. 2 જુલાઈના રોજ બજાર બંધ સમયે BSEનું માર્કેટ કેપ ₹4,79,25,723.825 કરોડ હતું, જે આજે બજાર ખુલતાની સાથે વધીને ₹4,81,68,778.27 કરોડ પર પહોંચી ગયું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹2,43,054.445 કરોડનો વધારો નોંધાયો.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને IT સેક્ટરના શેરોમાં ખરીદી વધવાને કારણે 2 જુલાઈએ સેન્સેક્સ 579.48 પોઈન્ટ (0.75 ટકા) વધીને 77,502.12 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 169.85 પોઈન્ટ (0.71 ટકા) વધીને 24,175.70 પર બંધ રહ્યો હતો.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં સુધારો અને વિદેશી રોકાણકારોની ખરીદી યથાવત રહે તો આગામી દિવસોમાં પણ શેરબજારમાં સકારાત્મક વલણ જોવા મળી શકે છે.
Reporter: admin







