મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માથે સંકટના વાદળ તોળાઈ રહ્યા હોવાના અહેવાલો નાગપુરથી આવી રહ્યા છે.
દેશના આગામી વડા પ્રધાન તરીકે નીતિન ગડકરીની પસંદગી થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મૂળ નાગપુરના અને કટ્ટર મોદી વિરોધી સંજય જોશીની તાજપોશી થવાનાં એંધાણ મળી રહ્યા છે.ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહનો પ્રભાવ આખા દેશમાં ઘટી રહ્યો હોવાનું છેલ્લી કેટલીક ચૂંટણીમાં જોવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય એટલે નરેન્દ્ર મોદીને પદત્યાગ કરવાનું કહેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.2024ની લોકસભા ચૂંટણી પછી નવા પ્રધાનમંડળનું ગઠન કરવામાં આવ્યું ત્યારે જૂના જ પ્રધાનમંડળનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું અને ત્યારે કારણ એવું આપવામાં આવ્યું હતું કે જે-તે પ્રધાન ચાલુ હોય તો તેમને ફાઈલો પર નિર્ણય લેવાનું સહેલું પડે, પરંતુ હવે મળતી માહિતી કહે છે કે મોદીને 100 દિવસના કામનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીના મોદી-શાહ જોડીના કામથી સંઘ સંતુષ્ટ નથી અને તેથી જ મોદીને બદલવાનો વિચાર થઈ રહ્યો છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ગયા અઠવાડિયે કરવામાં આવેલા એક નિવેદન પર ધ્યાન આપવામાં આવે તો તેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષ દ્વારા એવી ઓફર આપવામાં આવી હતી કે જો તેઓ વડા પ્રધાન બનવાના હોય તો વિપક્ષ સહકાર આપશે. પછી તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે આ ઓફર નકારી કાઢી હતી, પરંતુ આ વસ્તુ અત્યારે બોલવા પાછળનું કારણ શું છે? વાસ્તવમાં મોદીને આપવામાં આવેલી 100 દિવસની ડેડલાઈન યાદ અપાવવાનો હેતુ આની પાછળ હોય એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.બીજી તરફ અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની મુદત લોકસભાની ચૂંટણી સમયે જ પૂરી થઈ ગઈ હતી, પરંતુ હજી તેમને કારભાર ચલાવવા દેવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ભાજપ ક્યારેય આટલો લાંબો સમય અધ્યક્ષપદ વગર રહ્યું નથી. અધ્યક્ષપદ માટે કટ્ટર મોદી વિરોધી સંજય જોશીનું નામ મોખરે છે, જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય કેટલાક નામ પણ ચાલી રહ્યા છે.ભાજપના અધ્યક્ષપદ માટે અને વડા પ્રધાનપદ માટે ફેરફાર કરવા માટે આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતની મંજૂરી આવશ્યક છે અને તેઓ જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી આ મોદી વિરોધી સક્રિય તત્વો કેટલા સફળ થાય છે તે જોવાનું રહેશે.
Reporter: admin