નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના સાગબારા તાલુકામાં મધરાત બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સતત વરસેલા વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક અચાનક વધી જતાં કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને સેલંબા અને આસપાસના વિસ્તારોમાં ચારે તરફ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
સાગબારા તાલુકાના સેલંબા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નદી-નાળાઓમાં આવેલા ઘોડાપૂરને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. સેલંબાથી મહારાષ્ટ્ર તરફ જતો મહત્વનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. માર્ગ બંધ થતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસાના પ્રથમ જ ભારે વરસાદે વિસ્તારની નબળી પૂરવઠા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ બહાર લાવી દીધી છે. સેલંબા નજીક એક મહિના પહેલાં બનાવવામાં આવેલું નાળું પણ વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. પ્રથમ જ મોટા ઝાપટામાં નાળું નુકસાન પામતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
એક તરફ સાગબારા તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે, તો બીજી તરફ નર્મદા જિલ્લાના અન્ય પાંચ તાલુકાઓમાં વરસાદની અસર પ્રમાણમાં ઓછી નોંધાઈ છે. જોકે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. ભારે વરસાદને પગલે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
Reporter: admin







