News Portal...

Breaking News :

રશિયા દ્વારા ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 19.5 લાખ બેરલ થી ઘટીને 11.9 લાખ બેરલ પ્રતિ દિન થઈ

2025-11-04 10:16:18
રશિયા દ્વારા ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 19.5 લાખ બેરલ થી ઘટીને 11.9 લાખ બેરલ પ્રતિ દિન થઈ


દિલ્હી : અમેરિકાએ 22 ઓક્ટોબરે રશિયાની તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી, જેના પગલે રશિયા દ્વારા ભારતમાં થતા ક્રૂડ સપ્લાયમાં ઘટાડાયો નોંધાયો છે. 


વૈશ્વિક કોમોડિટી ડેટા મુજબ, 27 ઓક્ટોબરે પૂરા થતા સપ્તાહમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 11.9 લાખ બેરલ પ્રતિ દિન રહી, જે અગાઉના બે સપ્તાહની 19.5 લાખ બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઘણી ઓછી છે.પ્રતિબંધોની સીધી અસર રશિયાની બે સૌથી મોટી કંપનીઓ - રોસનેફ્ટ અને લુકોઇલના પુરવઠા પર થઈ. રોસનેફ્ટની ભારતને તેલની નિકાસ 27 ઓક્ટોબરના સપ્તાહમાં ઘટીને 8.1 લાખ બેરલ પ્રતિ દિન થઈ, જે અગાઉના સપ્તાહે 14.1 લાખ બેરલ પ્રતિ દિન હતી, જ્યારે લુકોઇલ તરફથી આ સમયગાળામાં કોઈ શિપમેન્ટ નોંધાયું નથી. 


નિષ્ણાતો માને છે કે સુએઝ નહેરના માર્ગે લાગતા લગભગ એક મહિનાના સમયને કારણે આ ઘટાડો અમેરિકાની 21 નવેમ્બરની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને અગાઉથી જ શિપમેન્ટ ઘટાડવાનું પરિણામ છે અને ત્યાં સુધી અગાઉથી કોન્ટ્રાક્ટ થયેલ ડિલિવરી ચાલુ રહેશે.મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકી પ્રતિબંધો બાદ ભારતીય રિફાઇનરીઓએ સાવચેતીના પગલાં લીધા છે. જેમાં એચપીસીએલ-મિત્તલ એનર્જીએ રશિયન તેલની આયાત તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરવાની વાત કરી, જોકે ભવિષ્યની આયાત પર સીધું નિવેદન આપ્યું નથી. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) (ભારતની લગભગ અડધી રશિયન તેલ આયાત સંભાળતી કંપની) એ સરકારી માર્ગદર્શિકા મુજબ અનુપાલન કરવાની અને અસરનું મૂલ્યાંકન કરવાની વાત કરી. નિષ્ણાતોના મતે, ભારતીય કંપનીઓ અને બેન્કો અમેરિકી સેકન્ડરી સેંક્શન્સના ડરથી રશિયા સાથેના જોખમી લેણદેણથી દૂર રહી છે.

Reporter: admin

Related Post