News Portal...

Breaking News :

ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરોવ રશિયાની વોન્ટેડ યાદીમાં, આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરો

2026-07-29 17:58:04
ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરોવ રશિયાની વોન્ટેડ યાદીમાં, આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરો

રશિયાએ મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરોવ સામે મોટી કાર્યવાહી કરતાં તેમનું નામ ઇન્ટરનેશનલ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યું છે. રશિયાની મુખ્ય આંતરિક સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) એ ડુરોવ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ ઓનલાઈન નેટવર્ક્સ સામે પૂરતી કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

FSBના જણાવ્યા અનુસાર, ટેલિગ્રામ પર અનેક એવા ચેનલ, ચેટ અને બોટ્સ સક્રિય છે, જેમનો ઉપયોગ કથિત રીતે યુક્રેનની ગુપ્તચર એજન્સીઓ, આતંકવાદી સંગઠનો અને ઉગ્રવાદી જૂથો આતંકી પ્રવૃત્તિઓ, સામૂહિક હિંસા, સાયબર છેતરપિંડી અને અન્ય ગુનાહિત કૃત્યોની યોજના બનાવવા તેમજ તેને અંજામ આપવા માટે કરે છે. એજન્સીનું કહેવું છે કે અનેક વખત ચેતવણી આપ્યા છતાં ટેલિગ્રામ પ્રશાસને આ પ્લેટફોર્મ્સ સામે અસરકારક કાર્યવાહી કરી નથી.

રશિયામાં જન્મેલા 41 વર્ષીય પાવેલ ડુરોવ વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીના એક ટેલિગ્રામના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેઓ લાંબા સમયથી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વપરાશકર્તાઓની ગોપનીયતાના સમર્થક તરીકે જાણીતા છે. આ વર્ષની શરૂઆતમાં ડુરોવે દાવો કર્યો હતો કે રશિયન સત્તાવાળાઓએ તેમના વિરુદ્ધ ફોજદારી તપાસ શરૂ કરી છે. હવે તેમને ઇન્ટરનેશનલ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવતા આ વિવાદ વધુ ગંભીર બન્યો છે.

રશિયા અને ટેલિગ્રામ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મતભેદો ચાલી રહ્યા છે. રશિયન સરકારે અગાઉ પણ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર ટેલિગ્રામ પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. તાજા ઘટનાક્રમ બાદ સમગ્ર વિશ્વની નજર આ કેસ પર છે. હવે જોવાનું રહેશે કે ટેલિગ્રામ અને પાવેલ ડુરોવ આ આરોપો અંગે શું સત્તાવાર જવાબ આપે છે અને આગળ આ મામલે શું કાનૂની કાર્યવાહી થાય છે.

Reporter: admin

Related Post